Book Title: Vachanamrut 0833 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 833 સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી વવાણિયા, જયેષ્ઠ સુદ 1, શનિ, 1954 સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઇ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર, જેને કંઇ પ્રિય નથી, જેને કંઇ અપ્રિય નથી, જેને કોઇ શત્રુ નથી, જેને કોઇ મિત્ર નથી, જેને માનઅપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ ઠંદ્રનો અભાવ થઇ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બન્ને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઇ અચિંત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમ કૃપાળુ સત્પરુષે પ્રકાશયો તેનો અપાર ઉપકાર છે. ચંદ્ર ભૂમિને પ્રકાશે છે, તેના કિરણની કાંતિના પ્રભાવથી સમસ્ત ભૂમિ શ્વેત થઇ જાય છે, પણ કંઇ ચંદ્ર ભૂમિરૂપ કોઇ કાળે તેમ થતો નથી, એમ સમસ્ત વિશ્વને પ્રકાશક એવો આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતો નથી, સદાસર્વદા ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એ જ ભ્રાંતિ છે. જેમ આકાશમાં વિશ્વનો પ્રવેશ નથી, સર્વ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યકૂદ્રષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠો છે. જેની ઉત્પત્તિ કોઇ પણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનો નાશ પણ ક્યાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવપ્રમાણસ્વરૂપમાં પરમ જાગૃત થઇ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે. સર્વ પરદ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે. પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ સમાધિને સર્વ કાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નિરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો તે સત્પરુષોને નમસ્કાર. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય સુખસ્વરૂપ માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, ત્યાં વિક્ષેપ શો ? વિકલ્પ શો? ભય શો? ખેદ શો ? બીજી અવસ્થા શી ? હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. હું માત્ર નિર્વિકલ્પ છું. હું નિજસ્વરૂપમય ઉપયોગ કરું છું. તન્મય થાઉ છું. શાંતિઃ શાંતિઃ શાંતિઃ

Loading...

Page Navigation
1