Book Title: Vachanamrut 0780 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 780 જેને કોઇ પણ પ્રત્યે મુંબઇ, જેઠ સુદ, 8, ભોમ, 1953 જેને કોઇ પણ પ્રત્યે રાગ, દ્વેષ રહ્યા નથી, તે મહાત્માને વારંવાર નમસ્કાર પરમ ઉપકારી, આત્માર્થી, સરલતાદિ ગુણસંપન્ન શ્રી સોભાગ, ભાઇ ઝૂંબકનો લખેલો કાગળ એક આજે મળ્યો છે. આત્મસિદ્ધિ” ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તથા કેટલાંક ઉપદેશપત્રોની પ્રત અત્રે હતી તે આજે ટપાલમાં મોકલ્યાં છે. બન્નેમાં મુમુક્ષુ જીવને વિચારવા યોગ્ય ઘણા પ્રસંગો છે. પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ જે દેહને રાખી શક્યા નથી, તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઇ અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે. એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે. કંઇ પણ મન, વચન, કાયાના યોગથી અપરાધ થયો હોય જાણતાં અથવા અજાણતાં તે સર્વ વિનયપૂર્વક નમાવું છું, ઘણા નમ્રભાવથી ખમાવું છું. આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઇ પ્રત્યે રાગ અથવા કોઇ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદશા વર્તે. એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે. એ જ વિનંતિ. શ્રી રાયચંદ્રના નમસ્કાર પ્રાપ્ત થાય.Page Navigation
1