Book Title: Vachanamrut 0770
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 770 જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે વવાણિયા, ચૈત્ર સુદ 4, 1953 જ્ઞાન જીવનું રૂપ છે માટે તે અરૂપી છે, ને જ્ઞાન વિપરીતપણે જાણવાનું કાર્ય કરે છે, ત્યાં સુધી તેને અજ્ઞાન કહેવું એવી નિર્ગથ પરિભાષા કરી છે, પણ એ સ્થળે જ્ઞાનનું બીજુ નામ જ અજ્ઞાન છે એમ જાણવું. જ્ઞાનનું બીજુ નામ અજ્ઞાન હોય તો જેમ જ્ઞાનથી મોક્ષ થાય એમ કહ્યું છે, તેમ અજ્ઞાનથી પણ મોક્ષ થવો જોઇએ; તેમ જ મુક્ત જીવમાં પણ જ્ઞાન કહ્યું છે; તેમ અજ્ઞાન પણ કહેવું જોઇએ; એમ આશંકા કરી છે, તેનું આ પ્રમાણે સમાધાન છે : આંટી પડવાથી ગૂંચાયેલું સૂત્ર અને આંટી નીકળી જવાથી વગર ગૂંચાયેલું સૂત્ર એ બન્ને સૂત્ર જ છે; છતાં આંટીની અપેક્ષાથી ગૂંચાયેલું સૂત્ર, અને વગર ગૂંચાયેલું સૂત્ર એમ કહેવાય છે, તેમ મિથ્યાત્વજ્ઞાન તે અજ્ઞાન અને સમ્યકજ્ઞાન તે જ્ઞાન એમ પરિભાષા કરી છે. પણ મિથ્યાત્વજ્ઞાન તે જડ અને સમ્યકજ્ઞાન તે ચેતન એમ નથી. જેમ આંટીવાળું સૂત્ર અને આંટી વગરનું સૂત્ર બન્ને સૂત્ર જ છે, તેમ મિથ્યાત્વજ્ઞાનથી સંસારપરિભ્રમણ થાય અને સમ્યફજ્ઞાનથી મોક્ષ થાય. જેમ અત્રેથી પૂર્વ દિશા તરફ દશ ગાઉ ઉપર એક ગામ છે, ત્યાં જવાને અર્થે નીકળેલો માણસ દિશાભ્રમથી પૂર્વને બદલે પશ્ચિમ તરફ ચાલ્યો જાય, તો તે પૂર્વ દિશાવાળું ગામ પ્રાપ્ત ન થાય; પણ તેથી તેણે ચાલવારૂપ ક્રિયા કરી નથી એમ કહી ન શકાય; તેમ જ દેહ અને આત્મા જુદા છતાં દેહ અને આત્મા એક જાણ્યા છે તે જીવ દેહબુદ્ધિએ કરી સંસારપરિભ્રમણ કરે છે, પણ તેથી તેણે જાણવારૂપ કાર્ય કર્યું નથી એમ કહી ન શકાય. પૂર્વથી પશ્ચિમમાં ચાલ્યો છે, એ પૂર્વને પશ્ચિમ માનવારૂપ જેમ ભ્રમ છે, તેમ દેહ અને આત્મા જુદા છતાં બેયને એક માનવારૂપ ભ્રમ છે; પણ પશ્ચિમમાં જતાં, ચાલતાં જેમ ચાલવારૂપ સ્વભાવ છે, તેમ દેહ અને આત્માને એક માનવામાં પણ જાણવારૂપ સ્વાભાવ છે. જેમ પૂર્વને બદલે પશ્ચિમને પૂર્વ માનેલ છે, તે ભ્રમ તથારૂપ હેતુસામગ્રી મળે સમજાવાથી પૂર્વ પૂર્વ જ સમજાય છે, અને પશ્ચિમ પશ્ચિમ જ સમજાય છે, ત્યારે તે ભ્રમ ટળી જાય છે, અને પૂર્વ તરફ ચાલવા લાગે છે, તેમ દેહ અને આત્માને એક માનેલ છે, તે સદગુરૂ ઉપદેશાદિ સામગ્રી મળે બન્ને જુદા છે, એમ યથાર્થ સમજાય છે, ત્યારે ભ્રમ ટળી જઇ આત્મા પ્રત્યે જ્ઞાનોપયોગ પરિણમે છે. ભ્રમમાં પૂર્વને પશ્ચિમ અને પશ્ચિમને પૂર્વ માન્યા છતાં પૂર્વ તે પૂર્વ અને પશ્ચિમ તે પશ્ચિમ દિશા જ હતી, માત્ર ભ્રમથી વિપરીત ભાસતું હતું, તેમ અજ્ઞાનમાં પણ દેહ તે દેહ અને આત્મા તે આત્મા જ છતાં તેમ ભાસતા નથી એ વિપરીત ભાસવું છે. તે યથાર્થ સમજાયે, ભ્રમ નિવૃત્ત થવાથી દેહ દેહ જ ભાસે છે, અને આત્મા આત્મા જ ભાસે છે, અને જાણવારૂપ સ્વભાવ વિપરીતપણાને ભજતો હતો તે સમ્યકપણાને ભજે છે. દિશાભ્રમ વસ્તુતાએ કંઇ નથી અને ચાલવારૂપ ક્રિયાથી ઇચ્છિત ગામ પ્રાપ્ત થતું નથી, તેમ મિથ્યાત્વ પણ વસ્તુતાએ કંઇ નથી, અને તે સાથે જાણવારૂપ સ્વભાવ પણ છે, પણ સાથે મિથ્યાત્વરૂપ ભ્રમ હોવાથી સ્વસ્વરૂપતામાં પરમસ્થિતિ થતી નથી. દિશાભ્રમ ટળેથી ઇચ્છિત ગામ તરફ વળતાં પછી મિથ્યાત્વ પણ નાશ પામે છે, અને સ્વસ્વરૂપ શુદ્ધ જ્ઞાનાત્મપદમાં સ્થિતિ થઇ શકે એમાં કંઇ સંદેહનું ઠેકાણું નથી.

Loading...

Page Navigation
1