Book Title: Vachanamrut 0761
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 761 જ્ઞાનાવરણીયાદિ કર્મને યોગ્ય જે પુદ્ગલ સં. 1953 જ્ઞાનાવરણીયાદિ કર્મને યોગ્ય જે પુગલ ગ્રહણ થાય છે તે ‘દ્રવ્યાસવ’ જાણવો. જિનભગવાને તે અનેક ભેદથી કહ્યો છે. જીવ જે પરિણામથી કર્મનો બંધ કરે છે તે ‘ભાવબંધ’. કર્મપ્રદેશ, પરમાણુઓ અને જીવનો અન્યોન્ય પ્રવેશરૂપે સંબંધ થવો તે ‘દ્રવ્યબંધ’. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો બંધ છે. પ્રકૃતિ અને પ્રદેશબંધ યોગથી થાય છે; સ્થિતિ તથા અનુભાગબંધ કષાયથી થાય છે. આસવને રોકી શકે એવો ચૈતન્યસ્વભાવ તે ‘ભાવસંવર’ અને તેથી દ્રવ્યાસવને રોકે તે ‘દ્રવ્યસંવર’ બીજો છે. વ્રત, સમિતિ, ગુપ્તિ, ધર્મ, અનુપ્રેક્ષા અને પરિષહજય તથા ચારિત્રના ઘણા પ્રકાર તે ‘ભાવસંવર’ના વિશેષ જાણવા. જે ભાવ વડે, તપશ્ચર્યાએ કરીને કે યથાકાળે કર્મના પુદગલો રસ ભોગવાઈ જઈ ખરી પડે છે, તે ‘ભાવનિર્જરા’. તે પુગલપરમાણુઓનું આત્મપ્રદેશથી ખરી પડવું તે ‘દ્રવ્યનિર્જરા’. સર્વ કર્મનો ક્ષય થવારૂપ આત્મસ્વભાવ તે ‘ભાવમોક્ષ'. કર્મવર્ગણાથી આત્મદ્રવ્યનું જુદું થઈ જવું તે ‘દ્રવ્યમોક્ષ'. શુભ અને અશુભ ભાવને લીધે પુણ્ય અને પાપ જીવને હોય છે. શાતા, શુભાયુષ, શુભનામ અને ઉચ્ચ ગોત્રનો હેતુ ‘પુણ્ય’ છે. ‘પાપ’થી તેથી વિપરીત થાય છે. સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યફચારિત્ર મોક્ષનાં કારણ છે. વ્યવહારનયથી તે ત્રણે છે. નિશ્ચયથી આત્મા એ ત્રણેમય છે. આત્માને છોડીને એ ત્રણે રત્ન બીજા કોઈ પણ દ્રવ્યમાં વર્તતાં નથી, તેટલા માટે આત્મા એ ત્રણેમય છે; અને તેથી મોક્ષકારણ પણ આત્મા જ છે. જીવાદિ તત્વો પ્રત્યે આસ્થારૂપ આત્મસ્વભાવ તે ‘સમ્યકદર્શન', જેથી માઠા આગ્રહથી રહિત “સમ્યફજ્ઞાન’ થાય છે. સંશય, વિપર્યય અને ભ્રાંતિથી રહિત આત્મસ્વરૂપ અને પરસ્વરૂપને યથાર્થપણે ગ્રહણ કરી શકે તે ‘સમ્યકજ્ઞાન', સાકારોપયોગરૂપ છે. તેના ઘણા ભેદ છે. ભાવોનું સામાન્ય સ્વરૂપ જે ઉપયોગ ગ્રહણ કરી શકે તે ‘દર્શન', એમ આગમમાં કહ્યું છે. ‘દર્શન’ શબ્દ શ્રદ્ધાના અર્થમાં પણ વપરાય છે.

Loading...

Page Navigation
1