Book Title: Vachanamrut 0716 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 716 શ્રી રામદાસ સ્વામીનું યોજેલું શ્રી આણંદ, આસો સુદ 2, ગુરૂ, 1952 ૐ સદ્ગુરૂપ્રસાદ શ્રી રામદાસસ્વામીનું યોજેલું ‘દાસબોધ' નામનું પુસ્તક મરાઠી ભાષામાં છે. તેનું ગુજરાતી ભાષાંતર છપાઈ પ્રગટ થયું છે, જે પુસ્તક વાંચવા તથા વિચારવા અર્થે મોકલ્યું છે. પ્રથમ ગણપતિ આદિની સ્તુતિ કરી છે તેથી, તેમ જ પાછળ જગતના પદાર્થોને આત્મારૂપ વર્ણવીને ઉપદેશ કર્યો છે તેથી, તેમ જ તેમાં વેદાંતનું મુખ્યપણું વર્ણવ્યું છે તે વગેરેથી કંઈ પણ ભય ન પામતાં, અથવા વિકલ્પ નહીં પામતાં, આત્માર્થ વિષેના ગ્રંથકર્તાના વિચારોનું અવગાહન કરવા યોગ્ય છે. આત્માર્થ વિચારવામાં તેથી ક્રમે કરીને સુલભતા થાય છે. શ્રી દેવકરણજીને વ્યાખ્યાન કરવાનું રહે છે, તેથી અહંભાવાદિનો ભય રહે છે, તે સંભવિત છે. જેણે જણે સદગુરૂને વિષે તથા તેમની દશાને વિષે વિશેષપણું દીઠું છે, તેને તેને ઘણું કરીને અહંભાવ તથારૂપ પ્રસંગ જેવા પ્રસંગોમાં ઉદય થતો નથી; અથવા તરત સમાય છે. તે અહંભાવને જો આગળથી ઝેર જેવો પ્રતીત કર્યો હોય, તો પૂર્વાપર તેનો સંભવ ઓછો થાય. કંઈક અંતરમાં ચાતુર્યાદિ ભાવે મીઠાશ સૂક્ષ્મપરિણતિએ પણ રાખી હોય, તો તે પૂર્વાપર વિશેષતા પામે છે; પણ ઝેર જ છે, નિશ્ચય ઝેર જ છે, પ્રગટ કાળફૂટ ઝેર છે, એમાં કોઈ રીતે સંશય નથી; અને સંશય થાય, તો તે સંશય માનવો નથી; તે સંશયને અજ્ઞાન જ જાણવું છે, એવી તીવ્ર ખારાશ કરી મૂકી હોય, તો તે અહંભાવ ઘણું કરી બળ કરી શકતો નથી. વખતે તે અહંભાવને રોકવાથી નિરહંભાવતા થઈ તેનો પાછો અહંભાવ થઈ આવવાનું બને છે, તે પણ આગળ ઝેર, ઝેર અને ઝેર માની રાખી વર્તાયું હોય તો આત્માર્થને બાધ ન થાય. તમ સર્વ મુમુક્ષુઓને નમસ્કાર યથાવિધિ પ્રાપ્ત થાય.Page Navigation
1