Book Title: Vachanamrut 0715 Mul Marag Sambhalo Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 715 મૂળ મારગ સાંભળો જિનનો રે. આણંદ, આસો સુદ 1, 1952 મૂળ મારગ સાંભળો જિનનો રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ૦ નો'ય પૂજાદિની જો કામના રે, નો'ય વ્હાલું અંતર ભવદુઃખ. મૂળ૦ 1 કરી જોજો વચનની તુલના રે, જોજો શોધીને જિનસિદ્ધાંત, મૂળ, માત્ર કહેવું પરમારથહેતુથી રે, કોઈ પામે મુમુક્ષુ વાત. મૂળ૦ 2 જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરુદ્ધ, મૂળ૦ જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુધ. મૂળ૦ 3 લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, મૂળo પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ, મૂળ૦ 4 હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણો પરમાર્થ, મૂળ૦ તેને જોતાં વિચારી વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માર્થ. મૂળ૦ 5 છે દેહાદિથી ભિન્ન આતમા રે, ઉપયોગી સદા અવિનાશ, મૂળ૦ એમ જાણે સદગુરૂ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ૦ 6 જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, મૂળ, કહ્યું ભગવંતે દર્શન તેહને રે, જેનું બીજુ નામ સમકિત.મૂળ૦ 7 જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ૦ તેવો સ્થિર સ્વભાવ તે ઊપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ૦ 8 તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ, મૂળ, તેહ મારગ જિનનો પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ 9 એવાં મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ, મૂળ૦ ઉપદેશ સદગુરૂનો પામવો રે, ટાળી સ્વચ્છેદ ને પ્રતિબંધ. મૂળo 10 એમ દેવ જિનંદે ભાખિયું રે, મોક્ષમારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ૦ ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ૦ 11Page Navigation
1