Book Title: Vachanamrut 0708 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 708 બીજા જેઠ સુદ 1 શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર રાળજ, ભાદરવા, 1952 બીજા જેઠ સુદ 1 શનિએ આપના પ્રત્યે લખેલું પત્ર ધ્યાન પહોંચે તો અત્ર મોકલી xxx1 જેમ ચાલ્યું આવ્યું છે, તેમ ચાલ્યું આવે અને મને કોઈ પ્રતિબંધથી વર્તવાનું કારણ નથી, એવો ભાવાર્થ આપે લખ્યો તે વિષે સંક્ષેપમાં જાણવા અર્થે નીચે લખ્યું છે : જૈન દર્શનની રીતિએ જોતાં સમ્યગ્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સંભવે છે. જૈનમાં કેવળજ્ઞાનનું સ્વરૂપ લખ્યું છે, તે જ માત્ર સમજાવું મુશ્કેલ થઈ પડે છે. વળી વર્તમાનમાં તે જ્ઞાનનો તેણે જ નિષેધ કર્યો છે, જેથી તત્સંબંધી પ્રયત્ન કરવું પણ સફળ ન દેખાય. જૈનપ્રસંગમાં અમારો વધારે નિવાસ થયો છે તો કોઈ પણ પ્રકારે તે માર્ગનો ઉદ્ધાર અમ જેવાને દ્વારે વિશેષ કરીને થઈ શકે, કેમકે તેનું સ્વરૂપ વિશેષ કરીને સમજાયું હોય એ આદિ. વર્તમાનમાં જૈનદર્શન એટલું બધું અવ્યવસ્થિત અથવા વિપરીત સ્થિતિમાં જોવામાં આવે છે કે, તેમાંથી જાણે જિનને xxx ગયો છે, અને લોકો માર્ગ પ્રરૂપે . બાહ્ય કુટારો બહુ વધારી દીધો છે, અને અંતર્માર્ગનું ઘણું કરી જ્ઞાન વિચ્છેદ જેવું થયું છે. વેદોક્ત માર્ગમાં બસેં ચારસેં વર્ષે કોઈ કોઈ મોટા આચાર્ય થયા દેખાય છે કે જેથી લાખો માણસને વેદોક્ત રીતિ સચેત થઈ પ્રાપ્ત થઈ હોય. વળી સાધારણ રીતે કોઈ કોઈ આચાર્ય અથવા તે માર્ગના જાણ સારા પુરુષો એમ ને એમ થયા કરે છે, અને જૈનમાર્ગમાં ઘણાં વર્ષ થયાં તેવું બન્યું દેખાતું નથી. જૈનમાર્ગમાં પ્રજા પણ ઘણી થોડી રહી છે, અને તેમાં સેંકડો ભેદ વર્તે છે, એટલું જ નહીં પણ “મૂળમાર્ગની સન્મુખની વાત પણ તેમને કાને નથી પડતી, અને ઉપદેશકના લક્ષમાં નથી, એવી સ્થિતિ વર્તે છે. તેથી ચિત્તમાં એમ આવ્યા કરે છે કે જો તે માર્ગ વધારે પ્રચાર પામે તો તેમ કરવું, નહીં તો તેમાં વર્તતી પ્રજાને મૂળલક્ષપણે દોરવી. આ કામ ઘણું વિકટ છે. વળી જૈનમાર્ગ પોતે જ સમજવો તથા સમજાવવો કઠણ છે. સમજાવતાં આડાં કારણો આવીને ઘણાં ઊભાં રહે, તેવી સ્થિતિ છે. એટલે તેવી પ્રવૃત્તિ કરતાં ડર લાગે છે. તેની સાથે એમ પણ રહે છે કે જો આ કાર્ય આ કાળમાં અમારાથી કંઈ પણ બને તો બની શકે, નહીં તો હાલ તો મૂળમાર્ગ સન્મુખ થવા માટે બીજાનું પ્રયત્ન કામ આવે તેવું દેખાતું નથી. ઘણું કરીને મૂળમાર્ગ બીજાના લક્ષમાં નથી, તેમ તે હેતુ દ્રષ્ટાંતે ઉપદેશવામાં પરમશ્રત આદિ ગુણો જોઈએ છે, તેમ જ અંતરંગ કેટલાક ગુણો જોઈએ છે, તે અત્ર છે એવું દ્રઢ ભાસે છે. એ રીતે જો મૂળમાર્ગ પ્રગટતામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગપરિત્યાગ કરવો યોગ્ય, કેમકે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતાં, સત્તાનાં કર્મો પર દ્રષ્ટિ દેતાં કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજસ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગસાધનની એટલી અપેક્ષા 1 અહીં અક્ષર ત્રુટી ગયા છે.Page Navigation
1