Book Title: Vachanamrut 0702 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 702 વિચારવાન પુરુષો તો રાળજ, શ્રાવણ વદ 14, રવિ, 1952 વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ભાઈ શ્રી અનુપચંદ મલકચંદ પ્રત્યે, શ્રી ભૃગુકચ્છ. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. સદ્વિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિનિષેધાગ્રહ વિસર્જનવત કરી દઈ, અથવા તેમાં અંતરપરિણામે ઉદાસીન થઈ, દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવારનો વિક્ષેપ છોડી દઈ, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષગત કરો તો તે જ સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિક કે સંલેખનાદિક ક્રિયા ક્વચિત બનો કે ન બનો તોપણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષગત છે, તેનો જન્મ સફળ છે, અને ક્રમે કરી તે નિઃશ્રેયને પ્રાપ્ત થાય છે. તમને બાહ્યક્રિયાદિનો કેટલાંક કારણથી વિશેષ વિધિનિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્માવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી ? સહજમાત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ “જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે તે કેને અર્થે ? અને તેનું શું પરિણામ ? તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી ? તે વિષે ક્વચિત કંઈ પ્રેરવાની ઇચ્છા થયેલી સંભવે છે. પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતાં કરતાં વૃત્તિ સંક્ષેપી લીધેલી. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યદ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી, અથવા બાહ્યવ્યવહારના ઘણા વિધિનિષેધના કર્તુત્વના મહાગ્યમાં કંઈ કલ્યાણ નથી, એમ અમને તો લાગે છે. આ કંઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે અથવા અન્ય કંઈ હેતુ છે, એમ વિચારવું છોડી દઈ, જે કંઈ તે વચનોથી અંતર્મુખવૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો એ જ સુવિચારદ્રષ્ટિ લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી.

Loading...

Page Navigation
1