Book Title: Vachanamrut 0664 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 664 સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ મુંબઈ, પોષ વદ 2, 1952 સર્વ પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ આ સંસારને વિષે માત્ર એક વૈરાગ્ય જ અભય છે. મોટા મુનિઓને જે વૈરાગ્યદશા પ્રાપ્ત થવી દુર્લભ, તે વૈરાગ્યદશા તો ગૃહવાસને વિષે જેને પ્રાયે વર્તતી હતી, એવા શ્રી મહાવીર, ઋષભાદિ પુરુષો પણ ત્યાગને ગ્રહણ કરી ચાલી નીકળ્યા, એ જ ત્યાગનું ઉત્કૃષ્ટપણું ઉપદેયું છે. ગૃહસ્થાદિ વ્યવહાર વર્તે ત્યાં સુધી આત્મજ્ઞાન ન થાય, કે આત્મજ્ઞાન હોય તેને ગૃહસ્થાદિ વ્યવહાર ન હોય એવો નિયમ નથી, તેમ છતાં પણ જ્ઞાનીને પણ ત્યાગવ્યવહારની ભલામણ પરમ પુરુષોએ ઉપદેશી છે; કેમકે ત્યાગ ઐશ્વર્યને સ્પષ્ટ વ્યક્ત કરે છે, તેથી અને લોકને ઉપકારભૂત છે તેથી, ત્યાગ અકર્તવ્યલક્ષે કર્તવ્ય છે, એમાં સંદેહ નથી. સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને ‘પરમાર્થસંયમ' કહ્યો છે. તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તોના ગ્રહણને ‘વ્યવહારસંયમ' કહ્યો છે. કોઈ જ્ઞાની પુરુષોએ તે સંયમનો પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષા (લક્ષ વગર)એ જે વ્યવહારસંયમમાં જ પરમાર્થસંયમની માન્યતા રાખે તેના વ્યવહારસંયમનો, તેનો અભિનિવેશ ટાળવા, નિષેધ કર્યો છે. પણ વ્યવહારસંયમમાં કંઈ પણ પરમાર્થની નિમિત્તતા નથી, એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી. પરમાર્થના કારણભૂત એવા ‘વ્યવહારસંયમને પણ પરમાર્થસંયમ કહ્યો છે. શ્રી ડુંગરની ઇચ્છા વિશેષતાથી લખવાનું બને તો લખશો. પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટ્યા છતાં ત્યાગવા જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય ભજે છે. પ્રણામ.Page Navigation
1