Book Title: Vachanamrut 0623 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 623 આજે પતું મળ્યું છે. વવાણિયે જતાં મુંબઈ, શ્રાવણ સુદ 2, બુધ, 1951 આજે પતું મળ્યું છે. વવાણિયે જતાં તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિષે વિશેષતાથી લખ્યું, તે વિષે શું લખવું ? તેનો વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શક્યો નથી, તોપણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઇચ્છાનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલાં આ પતું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઇચ્છા રહે છે. તો તે ઇચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય, એવી બીક રહે છે. હાલ આપની ઇચ્છાનુસાર સમાગમ માટે તમે, શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂળી રોકાઈશ. અને બીજે દિવસે જણાવશો તો મૂળીથી જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઊતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઇચ્છાનુસાર વિચાર કરીશ. મૂળી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી, એમ આપ નહીં જણાવશો કેમકે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. એ જ વિનંતિ.Page Navigation
1