Book Title: Vachanamrut 0612
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 612 આપના તરફથી બે પત્ર મળ્યાં છે. મુંબઈ, અસાડ સુદ 1, રવિ, 1951 પરમ સ્નેહી શ્રી સોભાગ, શ્રી સાયલા. આપના તરફથી બે પત્ર મળ્યાં છે. અમારાથી હાલ કંઈ વિશેષ લખવાનું થતું નથી, આગળ જે વિસ્તારથી એક પ્રશ્નના સમાધાનમાં ઘણા પ્રકારના દ્રષ્ટાંત સિદ્ધાંતથી લખવાનું બની શકતું હતું તેટલું હાલ બની શકતું નથી, એટલું જ નહીં પણ ચાર લીટી જેટલું લખવું હોય તોપણ કઠણ પડે છે, કેમકે અંતર્વિચારમાં ચિત્તની હાલ પ્રવૃત્તિ વિશેષ રહે છે, અને લખવા વગેરેની પ્રવૃત્તિથી ચિત્ત સંક્ષિપ્ત રહે છે. વળી ઉદય પણ તથારૂપ વર્તે છે. આગળ કરતાં બોલવાના સંબંધમાં પણ આ જ પ્રકારે ઘણું કરી ઉદય વર્તે છે. તોપણ લખવા કરતાં કેટલીક વાર બોલાવાનું કંઈક વિશેષ બની શકે છે. જેથી સમાગમે કંઈ જાણવા યોગ્ય પૂછવું હોય તો સ્મરણ રાખશો. અહોરાત્ર ઘણું કરી વિચારદશા રહ્યા કરે છે; જે સંક્ષેપમાં પણ લખવાનું બની શકતું નથી. સમાગમમાં કંઈ પ્રસંગોપાત્ત કહી શકાશે તો તેમ કરવા ઇચ્છે રહે છે, કેમકે તેથી અમને પણ હિતકારક સ્થિરતા થશે. કબીરપંથી ત્યાં આવ્યા છે, તેમનો સમાગમ કરવામાં બાધ સંભવતો નથી; તેમ જ કોઈ તેમની પ્રવૃત્તિ યથાયોગ્ય ન લાગતી હોય તો તે વાત પર વધારે લક્ષ ન દેતાં કંઈ તેમના વિચારનું અનુકરણ કરવા યોગ્ય લાગે તે વિચારવું. વૈરાગ્યવાન હોય તેનો સમાગમ કેટલાક પ્રકારે આત્મભાવની ઉન્નતિ કરે છે. સાયલે અમુક વખત સ્થિરતા કરવા સંબંધી આપે લખ્યું, તે વાત હાલ ઉપશમ કરવાનું ઘણું કરી ચિત્ત રહે છે. કેમકે લોકસંબંધી સમાગમથી ઉદાસભાવ વિશેષ રહે છે. તેમ જ એકાંત જેવા યોગ વિના કેટલીક પ્રવૃત્તિનો રોધ કરવો બની શકે નહીં, જેથી આપે લખેલી ઇચ્છા માટે પ્રવૃત્તિ થઈ શકવી અશક્ય છે. અત્રેથી જે મિતિએ નિવૃત્ત થઈ શકાય તેવું હશે, તે મિતિ તથા ત્યાર પછીની વ્યવસ્થા વિષે વિચાર યથાયોગ્ય થયે તે વિષે આપના તરફ પત્ર લખીશું. શ્રી ડુંગર તથા તમે કંઈ જ્ઞાનવાર્તા લખશો. અત્રેથી પત્ર આવે ન આવે તે પર વાટ ન જોશો. શ્રી સોભાગનો વિચાર હાલ આ તરફ આવવા વિષે રહેતો હોય તો હજી વિલંબ કરવો યોગ્ય છે. કંઈ જ્ઞાનવાર્તા લખવાનું બને તો લખશો. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.

Loading...

Page Navigation
1