Book Title: Vachanamrut 0575 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ પ૭૫ જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે મુંબઈ, ફાગણ, 1951 જેમ છે તેમ નિજ સ્વરૂપ સંપૂર્ણ પ્રકાશે ત્યાં સુધી નિજ સ્વરૂપના નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાનીપુરુષનાં વચનો આધારભૂત છે, એમ પરમ પુરુષ શ્રી તીર્થકરે કહ્યું છે, તે સત્ય છે. બારમે ગુણસ્થાનકે વર્તતા આત્માને નિદિધ્યાસનરૂપ ધ્યાનમાં શ્રુતજ્ઞાન એટલે મુખ્ય એવાં જ્ઞાનીનાં વચનોનો આશય ત્યાં આધારભૂત છે, એવું પ્રમાણ જિનમાર્ગને વિષે વારંવાર કહ્યું છે. બોધબીજની પ્રાપ્તિ થયે, નિર્વાણમાર્ગની યથાર્થ પ્રતીતિ થયે પણ તે માર્ગમાં યથાસ્થિત સ્થિતિ થવાને અર્થે જ્ઞાની પુરુષનો આશ્રય મુખ્ય સાધન છે; અને તે ઠેઠ પૂર્ણ દશા થતાં સુધી છે, નહીં તો જીવને પતિત થવાનો ભય છે, એમ માન્યું છે, તો પછી પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સગુરૂના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દ્રઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સન્શાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી ગુરૂનું માહાત્મ અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે.Page Navigation
1