Book Title: Vachanamrut 0572 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ પ૭૨ સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ મુંબઈ, ફાગણ વદ 7, રવિ, 1951 સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દ્રષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે. જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાના સાધનથી જેમ બને તેમ દૂર રહેવું. અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહંબદ્ધિ છોડી દઈ. રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેરવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, ‘મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ,’ એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે, જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી. એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે. એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ; બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી કરી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે, ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે, પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે. એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દ્રઢ થાય; તથા જ્ઞાનીના વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.Page Navigation
1