Book Title: Vachanamrut 0553
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ પપ૩ પત્ર 1 પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે મુંબઈ, પોષ સુદ 1, શુક્ર, 1951 પત્ર 1 પ્રાપ્ત થયું છે. અત્રેથી નીકળતાં હજુ આશરે એક મહિનો થશે એમ લાગે છે. અહીંથી નીકળ્યા પછી સમાગમ સંબંધી વિચાર રહે છે અને શ્રી કઠોરમાં તે વાતની અનુકૂળતા આવવાનો વધારે સંભવ રહે છે, કેમકે તેમાં વિશેષ પ્રતિબંધ થવાનું કારણ જણાતું નથી. ઘણું કરીને શ્રી અંબાલાલ તે વખતમાં કઠોર આવી શકે, તે માટે તેમને જણાવીશ. અમારા આવવા વિષે હાલ કોઈને કંઈ જણાવવાનું કારણ નથી, તેમ અમારે માટે બીજી વિશેષ તજવીજ કરવાનું પણ કારણ નથી. સાયણ સ્ટેશને ઊતરી કઠોર અવાય છે, અને તે લાંબો રસ્તો નથી, જેથી વાહન વગેરેનું કંઈ અમને અગત્ય નથી. અને કદાપિ વાહનનું કે કંઈ કારણ હશે તો શ્રી અંબાલાલ તે વિષે તજવીજ કરી શકશે. કઠોરમાં પણ ત્યાંના શ્રાવકો વગેરેને અમારા આવવા વિષે જણાવવાનું કારણ નથી; તેમ ઊતરવાના ઠેકાણા માટે કંઈ ગોઠવણ કરવા વિષે તેમને જણાવવાનું કારણ નથી. તે માટે જે સહેજે તે પ્રસંગમાં બની આવશે તેથી અમને અડચણ નહીં આવે. શ્રી અંબાલાલ સિવાય બીજા કોઈ મુમુક્ષુઓ વખતે શ્રી અંબાલાલ સાથે આવશે; પણ તેમના આવવા વિષેમાં પણ આગળથી ખબર કઠોરમાં કે સુરત કે સાયણમાં ન પડે તે અમને ઠીક લાગે છે, કેમકે તેને લીધે અમને પણ પ્રતિબંધ વખતે થાય. અમારી અત્રે સ્થિરતા છે, ત્યાં સુધીમાં બને તો પત્ર પ્રશ્નાદિ લખશો. સાધુ શ્રી દેવકરણજીને આત્મસ્મૃતિપૂર્વક યથાયોગ્ય પ્રાપ્ત થાય. જે પ્રકારે અસંગતાએ, આત્મભાવ સાધ્ય થાય તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે. આ ઉપાધિરૂપ વ્યાપારાદિ પ્રસંગથી નિવર્તવા વારંવાર વિચાર રહ્યા કરે છે, તથાપિ તેનો અપરિપક્વ કાળ જાણીઉદયવશે વ્યવહાર કરવો પડે છે. પણ ઉપર કહી છે એવી જિનની આજ્ઞા તે ઘણું કરી વિસ્મરણ થતી નથી. અને તમને પણ હાલ તો તે જ ભાવના વિચારવાનું કહીએ છીએ. આO સ્વ૦ પ્રણામ.

Loading...

Page Navigation
1