Book Title: Vachanamrut 0552
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 552 ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષમપણું છે. મુંબઈ, માગશર, 1951 ઉપકારશીલ શ્રી સોભાગ પ્રત્યે, શ્રી સાયલા. ઈશ્વરેચ્છા બળવાન છે, અને કાળનું પણ દુષમપણું છે. પૂર્વે જાણ્યું હતું અને સ્પષ્ટ પ્રતીતિ સ્વરૂપ હતું કે જ્ઞાની પુરુષને સકામપણે ભજતાં આત્માને પ્રતિબંધ થાય છે, અને ઘણી વાર પરમાર્થદ્રષ્ટિ મટી સંસારાર્થ દ્રષ્ટિ થઈ જાય છે. જ્ઞાની પ્રત્યે એવી દ્રષ્ટિ થયે ફરી સુલભબોધિપણું પામવું કઠણ પડે છે; એમ જાણી કોઈ પણ જીવ સકામપણે સમાગમ ન કરે, એવા પ્રકારે વર્તવું થતું હતું. તમને તથા શ્રી ડુંગર વગેરેને આ માર્ગસંબંધી અમે કહ્યું હતું, પણ અમારા બીજા ઉપદેશની પેઠે તત્કાળ તેનું ગ્રહવું કોઈ પ્રારબ્ધયોગથી ન થતું. અમે જ્યારે તે વિષે કંઈ જણાવતા ત્યારે પૂર્વના જ્ઞાનીઓએ આચર્યું છે, એવા પ્રકારાદિથી પ્રત્યુત્તર કહેવા જેવું થતું હતું. અમને તેથી ચિત્તમાં મોટો ખેદ થતો હતો કે આ સકામવૃત્તિ દુષમકાળને લીધે આવા મુમુક્ષુપુરુષને વિષે વર્તે છે, નહીં તો તેનો સ્વપ્ન પણ સંભવ ન હોય. જોકે તે સકામવૃત્તિથી તમે પરમાર્થદ્રષ્ટિપણું વીસરી જાઓ એવો સંશય થતો નહોતો. પણ પ્રસંગોપાત્ત પરમાર્થદ્રષ્ટિને શિથિલપણાનો હેતુ થવાનો સંભવ દેખાતો હતો, પણ તે કરતાં મોટો ખેદ એ થતો હતો કે આ મુમુક્ષુના કુટુંબમાં સકામબુદ્ધિ વિશેષ થશે, અને પરમાર્થદ્રષ્ટિ મટી જશે, અથવા ઉત્પન્ન થવાનો સંભવ ટળી જશે, અને તેને લીધે બીજા પણ ઘણા જીવોને તે સ્થિતિ પરમાર્થ અપ્રાપ્તિમાં હેતભૂત થશે. વળી સકામપણે ભજનારની અમારાથી કંઈ વૃત્તિ શાંત કરવાનું બનવું કઠણ, તેથી સકામી જીવોને પૂર્વાપર વિરોધબુદ્ધિ થાય અથવા પરમાર્થ પૂજ્યભાવના ટળી જાય એવું જે જોયું હતું, તે વર્તમાનમાં ન થાય તે વિશેષ ઉપયોગ થવા સહેજ લખ્યું છે. પૂર્વાપર આ વાતનું માહાસ્ય સમજાય અને અન્ય જીવોને ઉપકાર થાય તેમ વિશેષ લક્ષ રાખશો.

Loading...

Page Navigation
1