Book Title: Vachanamrut 0508 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 508 ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે મુંબઈ, જેઠ સુદ 14, રવિ, 1950 પરમ સ્નેહી શ્રી સોભાગ, આપનો કાગળ 1 સવિગત મલ્યો હતો. ઉપાધિના પ્રસંગથી ઉત્તર લખવાનું થયું નથી, તે ક્ષમા કરશો. ચિત્તમાં ઉપાધિના પ્રસંગ માટે વારંવાર ખેદ થાય છે કે, આવો ઉદય જો આ દેહમાં ઘણા વખત સુધી વર્યા કરે તો સમાધિદશાએ જે લક્ષ છે તે લક્ષ એમ ને એમ અપ્રધાનપણે રાખવો પડે, અને જેમાં અત્યંત અપ્રમાદયોગ ઘટે છે, તેમાં પ્રમાદયોગ જેવું થાય. કદાપિ તેમ નહીં તો પણ આ સંસારને વિષે કોઈ પ્રકાર રુચિયોગ્ય જણાતો નથી, પ્રત્યક્ષ રસરહિત એવું સ્વરૂપ દેખાય છે, તેને વિષે જરૂર સદ્વિચારવાન જીવને અલ્પ પણ રુચિ થાય નહીં, એવો નિશ્ચય વર્તે છે. વારંવાર સંસાર ભયરૂપ લાગે છે. ભયરૂપ લાગવાનો બીજો કોઈ હેતુ જણાતો નથી, માત્ર એમાં શુદ્ધ એવું આત્મસ્વરૂપ અપ્રધાન રાખી વર્તવું થાય છે તેથી મોટો ત્રાસ વર્તે છે, અને નિત્ય છૂટવાનો લક્ષ રહે છે; તથાપિ હજુ તો અંતરાય સંભવે છે, અને પ્રતિબંધ પણ રહ્યા કરે છે; તેમ જ તેને અનુસરતા બીજા અનેક વિકલ્પથી ખારા લાગેલા આ સંસારને વિષે પરાણે સ્થિતિ છે. તમે કેટલાંક પ્રશ્ન લખો છો તે ઉત્તરયોગ્ય હોય છે, છતાં તે ઉત્તર ન લખવાનું કારણ ઉપાધિ પ્રસંગનું બળ છે, તથા ઉપર જણાવેલો એવો ચિત્તનો ખેદ રહે છે તે છે. આO સ્વ૦ પ્રણામ.Page Navigation
1