Book Title: Vachanamrut 0494 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 494 અત્રે હાલ કંઈક બાહ્ય ઉપાધિ ઓછી વર્તે છે. મુંબઈ, ચૈત્ર સુદ, 1950 અત્રે હાલ કંઈક બાહ્યઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશો. પૂર્વકર્મ બે પ્રકારનાં છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારનાં કર્મ એવાં છે, કે જે પ્રકારે કાળાદિ તેની સ્થિતિ છે, તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવો છે, કે જ્ઞાનથી, વિચારથી કેટલાંક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારનાં કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારનાં કર્મ કહ્યાં છે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારનાં કર્મ કહ્યાં છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળજ્ઞાનીની ઇચ્છાથી નથી, પણ પ્રારબ્ધથી છે, એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળજ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં, એવી સ્થિતિ છે; જોકે તેવા પ્રકારથી છૂટવા વિષે કોઈ જ્ઞાનીપુરુષ ઇચ્છા કરે નહીં, તથાપિ અત્રે કહેવાનું એમ છે કે, જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે; તેમ જ અંતરાયાદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે, તે જ્ઞાનીપુરુષને પણ ભોગવવા યોગ્ય છે, અર્થાત જ્ઞાનીપુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારનાં કર્મ એવાં છે, કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. એક, જે પ્રકારે સ્થિતિ વગેરે બાંધ્યું છે, તે જ પ્રકારે ભોગવવાયોગ્ય હોય છે. બીજાં, જીવનાં જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવાં હોય છે. જ્ઞાનાદિ પુરુષાર્થધર્મે નિવૃત્ત થાય એવા કર્મની નિવૃત્તિ જ્ઞાનીપુરુષ પણ કરે છે, પણ ભોગવવા યોગ્ય કર્મને જ્ઞાનીપુરુષ સિદ્ધિઆદિ પ્રયત્ન કરી નિવૃત્ત કરવાની ઇચ્છા કરે નહીં એ સંભવિત છે. કર્મને યથાયોગ્યપણે ભોગવવા વિષે જ્ઞાનીપુરુષને સંકોચ હોતો નથી. કોઈ અજ્ઞાનદશા છતાં પોતા વિષે જ્ઞાનદશા સમજનાર જીવ કદાપિ ભોગવવા યોગ્ય કર્મ ભોગવવા વિષે ન ઇચ્છે તોપણ ભોગવ્યું જ છૂટકો થાય એવી નીતિ છે. જીવનું કરેલું જો વગર ભોગવ્યું અફળ જતું હોય, તો પછી બંધમોક્ષની વ્યવસ્થા ક્યાંથી હોઈ શકે ? વેદનીયાદિ કર્મ હોય તે ભોગવવા વિષે અમને નિરિચ્છા થતી નથી. જો નિરિચ્છા થતી હોય, તો ચિત્તમાં ખેદ થાય છે. જીવને દેહાભિમાન છે તેથી ઉપાર્જિત કર્મ ભોગવતાં ખેદ થાય છે, અને તેથી નિરિચ્છા થાય છે. મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી, તથાપિ ઉપર જેમ અમે જણાવ્યાં તેમ ભોગવવા યોગ્ય એવાં ‘નિકાચિત કર્મ” તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહીં, અમુક “શિથિલકર્મ’ની ક્વચિત નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ નહીં, આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે.Page Navigation
1