Book Title: Vachanamrut 0469 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 469 જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના મુંબઈ, ભાદરવા વદ 0)), 1949 જેવી દ્રષ્ટિ આ આત્મા પ્રત્યે છે, તેવી દ્રષ્ટિ જગતના સર્વ આત્માને વિષે છે. જેવો સ્નેહ આ આત્મા પ્રત્યે છે તેવો સ્નેહ સર્વ આત્મા પ્રત્યે વર્તે છે. જેવી આ આત્માની સહજાનંદ સ્થિતિ ઇચ્છીએ છીએ, તેવી જ સર્વ આત્મા પ્રત્યે ઇચ્છીએ છીએ. જે જે આ આત્મા માટે ઇચ્છીએ છીએ, તે તે સર્વ આત્મા માટે ઇચ્છીએ છીએ જેવો આ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ, તેવો જ સર્વ દેહ પ્રત્યે ભાવ રાખીએ છીએ. જેવો સર્વ દેહ પ્રત્યે વર્તવાનો પ્રકાર રાખીએ છીએ, તેવો જ આ દેહ પ્રત્યે પ્રકાર વર્તે છે. આ દેહમાં વિશેષ બુદ્ધિ અને બીજા દેહ પ્રત્યે વિષમ બુદ્ધિ ઘણું કરીને ક્યારેય થઈ શકતી નથી. જે સ્ત્રીઆદિનો સ્વપણે સંબંધ ગણાય છે, તે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ સ્નેહાદિક છે, અથવા સમતા છે, તેવાં જ પ્રાયે સર્વ પ્રત્યે વર્તે છે. આત્મારૂપપણાનાં કાર્યો માત્ર પ્રવર્તન હોવાથી જગતના સર્વ પદાર્થ પ્રત્યે જેમ ઉદાસીનતા વર્તે છે, તેમ સ્વપણે ગણાતા સ્ત્રીઆદિ પદાર્થો પ્રત્યે વર્તે છે. પ્રારબ્ધ પ્રબંધે સ્ત્રીઆદિ પ્રત્યે જે કંઈ ઉદય હોય તેથી વિશેષ વર્તના ઘણું કરીને આત્માથી થતી નથી. કદાપિ કરુણાથી કંઈ તેવી વિશેષ વર્તના થતી હોય તો તેવી તે જ ક્ષણે તેવા ઉદયપ્રતિબદ્ધ આત્માઓ પ્રત્યે વર્તે છે, અથવા સર્વ જગત પ્રત્યે વર્તે છે. કોઈ પ્રત્યે કંઈ વિશેષ કરવું નહીં, કે ન્યૂન કરવું નહીં, અને કરવું તો તેવું એકધારાનું વર્તન સર્વ જગત પ્રત્યે કરવું, એવું જ્ઞાન આત્માને ઘણા કાળ થયાં દ્રઢ છે; નિશ્ચયસ્વરૂપ છે. કોઈ સ્થળે ન્યૂનપણું, વિશેષપણું, કે કંઈ તેવી સમ વિષમ ચેષ્ટાએ વર્તવું દેખાતું હોય તો જરૂર તે આત્મસ્થિતિએ, આત્મબુદ્ધિએ થતું નથી, એમ લાગે છે. પૂર્વપ્રબંધી પ્રારબ્ધના યોગે કંઈ તેવું ઉદયભાવપણે થતું હોય તો તેને વિષે પણ સમતા છે. કોઈ પ્રત્યે ઓછાપણું, અધિકપણું, કંઈ પણ આત્માને રુચતું નથી, ત્યાં પછી બીજી અવસ્થાનો વિકલ્પ હોવા યોગ્ય નથી, એમ તમને શું કહીએ ? સંક્ષેપમાં લખ્યું છે. સૌથી અભિન્નભાવના છે, જેટલી યોગ્યતા જેની વર્તે છે, તે પ્રત્યે તેટલી અભિન્નભાવની સ્કૂર્તિ થાય છે; ક્વચિત કરુણાબુદ્ધિથી વિશેષ સ્કૂર્તિ થાય છે; પણ વિષમપણાથી કે વિષય, પરિગ્રહાદિ કારણપ્રત્યયથી તે પ્રત્યે વર્તવાનો કંઈ આત્મામાં સંકલ્પ જણાતો નથી. અવિકલ્પરૂપ સ્થિતિ છે. વિશેષ શું કહીએ ? અમારે કંઈ અમારું નથી, કે બીજાનું નથી કે બીજું નથી; જેમ છે તેમ છે. જેમ સ્થિતિ આત્માની છે, તેવી સ્થિતિ છે. સર્વ પ્રકારની વર્તના નિષ્કપટપણાથી ઉદયની છે; સમવિષમતા નથી. સહજાનંદ સ્થિતિ છે. જ્યાં તેમ હોય ત્યાં અન્ય પદાર્થમાં આસક્ત બુદ્ધિ ઘટે નહીં, હોય નહીં. (0 0 0 0)Page Navigation
1