Book Title: Vachanamrut 0431
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 431 આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે મુંબઈ, ફાગણ સુદ 7, ગુરૂ, 1949 આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. ‘આત્મા’ જે પદાર્થને તીર્થકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેનું ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરુચિસમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે. અમારો અભિપ્રાય કંઈ પણ દેહ પ્રત્યે હોય તો તે માત્ર એક આત્માર્થે જ છે, અન્ય અર્થે નહીં. બીજા કોઈ પણ પદાર્થ પ્રત્યે અભિપ્રાય હોય તો તે પદાર્થ અર્થે નહીં, પણ આત્માર્થે છે. તે આત્માર્થ તે પદાર્થની પ્રાપ્તિઅપ્રાપ્તિને વિષે હોય એમ અમને લાગતું નથી. ‘આત્માપણું’ એ ધ્વનિ સિવાય બીજો કોઈ ધ્વનિ કોઈ પણ પદાર્થના ગ્રહણત્યાગમાં સ્મરણજોગ નથી. અનવકાશ આત્માપણું જાણ્યા વિના, તે સ્થિતિ વિના અન્ય સર્વ ક્લેશરૂપ છે.

Loading...

Page Navigation
1