Book Title: Vachanamrut 0407 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 407 ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે મુંબઈ, ભાદરવા વદ 3, શુક્ર, 1948 શુભવૃત્તિ સંપન્ન મણિલાલ, ભાવનગર. વિ. યથાયોગ્યપૂર્વક વિજ્ઞાપન. તમારું પત્ર 1 આજે પહોંચ્યું છે, અને તે મેં વાંચ્યું છે. અત્રેથી લખેલું પત્ર તમને મળવાથી થયેલો આનંદ નિવેદન કરતાં તમે દીક્ષા સંબંધી વૃત્તિ હાલ ક્ષોભ પામવા વિષેનું લખ્યું, તે ક્ષોભ હાલ યોગ્ય છે. ક્રોધાદિ અનેક પ્રકારના દોષો પરિક્ષીણ પામી ગયાથી, સંસારત્યાગરૂપ દીક્ષા યોગ્ય છે, અથવા તો કોઈ મહત પુરુષના યોગે યથાપ્રસંગે તેમ કરવું યોગ્ય છે. તે સિવાય બીજા પ્રકારે દીક્ષાનું ધારણ કરવું તે સફળપણાને પ્રાપ્ત થતું નથી, અને જીવ તેવી બીજા પ્રકારની દીક્ષારૂપ ભ્રાંતિએ ગ્રસ્ત થઈ અપૂર્વ એવા કલ્યાણને ચૂકે છે; અથવા તો તેથી વિશેષ અંતરાય પડે એવો જોગ ઉપાર્જન કરે છે. માટે હાલ તો તમારો તે ક્ષોભ યોગ્ય જાણીએ છીએ. તમારી ઇચ્છા અત્ર સમાગમમાં આવવા વિષેની વિશેષ છે એ અમે જાણીએ છીએ; તથાપિ હાલ તે જોગની ઇચ્છા વિરોધ કરવા યોગ્ય છે, અર્થાત તે જોગ બનવો અશક્ય છે; અને એ ખુલાસો પ્રથમના પત્રમાં લખ્યો છે, તે તમે જાણી શક્યા હશો. આ તરફ આવવા વિષેની ઇચ્છામાં તમારા વડીલાદિ તરફનો જે નિરોધ છે તે નિરોધથી હાલ ઉપરવટ થવાની ઇચ્છા કરવી યોગ્ય નથી. અમારું તે પ્રદેશની લગભગથી કોઈ વાર જવા આવવાનું હોય ત્યારે વખતે સમાગમજોગ થવાજોગ હશે તો થઈ શકશે. મતાગ્રહ વિષે બુદ્ધિને ઉદાસીન કરવી યોગ્ય છે; અને હાલ તો ગૃહસ્થધર્મને અનુસરવું પણ યોગ્ય છે. પોતાના હિતરૂપ જાણી કે સમજીને આરંભપરિગ્રહ સેવવા યોગ્ય નથી; અને આ પરમાર્થ વારંવાર વિચારી સગ્રંથનું વાંચન, શ્રવણ, મનનાદિ કરવા યોગ્ય છે. એ જ વિનંતિ. નિષ્કામ યથાયોગ્ય.Page Navigation
1