Book Title: Vachanamrut 0385 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 385 સૂર્ય ઉદય-અસ્ત રહિત છે મુંબઈ, અસાડ, 1948 સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષમર્યાદાને વિષે વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમજ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કલ્પ છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. જે પ્રકારે પ્રારબ્ધનો ક્રમ ઉદય હોય તે પ્રકારે હાલ તો વર્તીએ છીએ, અને એમ વર્તવું કોઈ પ્રકારે તો સુગમ ભાસે છે. ઠાકોર સાહેબને મળવા સંબંધી વિગત આજના પત્રને વિષે લખી, પણ પ્રારબ્ધ ક્રમ તેવો વર્તતો નથી. ઉદીરણા કરી શકીએ એવી અસુગમ વૃત્તિ ઉત્પન્ન થતી નથી. જોકે અમારું ચિત્ત નેત્ર જેવું છે; નેત્રને વિષે બીજા અવયવની પેઠે એક રજકણ પણ સહન થઈ શકે નહીં. બીજા અવયવોરૂપ અન્ય ચિત્ત છે. અમને વર્તે છે એવું જે ચિત્ત તે નેત્રરૂપ છે, તેને વિષે વાણીનું ઊઠવું, સમજાવવું, આ કરવું, અથવા આ ન કરવું, એવી વિચારણા કરવી તે માંડ માંડ બને છે. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે, આવી સ્થિતિ છતાં ઉપાધિજોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી, કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવારૂપ થાય છે. તે જેમ દુઃખે - અત્યંત દુઃખે - થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણામરૂપ થવા બરાબર છે. સુગમપણાએ સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યફપ્રકારે વેદે છે, અખંડ સમાધિપણે વેદે છે. આ વાત લખવાનો આશય તો એમ છે કે આવા ઉત્કૃષ્ટ વૈરાગ્યને વિષે આવો ઉપાધિજોગ વેદવાનો જે પ્રસંગ છે, તેને કેવો ગણવો ? અને આ બધું શા અર્થે કરવામાં આવે છે? જાણતાં છતાં તે મૂકી કેમ દેવામાં આવતો નથી ? એ બધું વિચારવા યોગ્ય છે. મણિ વિષે લખ્યું તે સત્ય છે. ‘ઈશ્વરેચ્છા' જેમ હશે તેમ થશે. વિકલ્પ કરવાથી ખેદ થાય; અને તે તો જ્યાં સુધી તેની ઇચ્છા હોય ત્યાં સુધી તે પ્રકારે જ પ્રવર્તે. સમ રહેવું યોગ્ય છે. બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધરૂપ સ્પૃહા પણ નથી, સત્તારૂપ કોઈ પૂર્વે ઉપાર્જિત કરેલી ઉપાધિરૂપ સ્પૃહા તે તો અનુક્રમે સંવેદન કરવી છે. એક સત્સંગ - તમરૂપ સત્સંગની સ્પૃહા વર્તે છે. રુચિમાત્ર સમાધાન પામી છે. એ આશ્ચર્યરૂપ વાત ક્યાં કહેવી ? આશ્ચર્ય થાય છે. આ જે દેહ મળ્યો તે પૂર્વે કોઈ વાર મળ્યો ન હો તો, ભવિષ્યકાળે પ્રાપ્ત થયો નથી. ધન્યરૂપ - કૃતાર્થરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઈ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી, અને પૂર્વે જો સપુરુષનું ઓળખાણ પડ્યું નથી, તો તે આવા યોગનાં કારણથી છે. વધારે લખવું સૂઝતું નથી.Page Navigation
1