Book Title: Vachanamrut 0368 Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ 368 હૃદયરૂપ શ્રી સુભાગ્ય મુંબઈ, વૈશાખ વદ 6, ભોમ, 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય, પત્ર પ્રાપ્ત થયું હતું. અત્ર સમાધિ છે. સટ્ટાને વિષે જીવ રહે છે, એ ખેદની વાત છે, પણ તે તો જીવને પોતાથી વિચાર કર્યા વિના ન સમજાય એવું જ્ઞાનીને વિષે જો કોઈ પણ પ્રકારે ધનાદિની વાંછા રાખવામાં આવે છે, તો જીવને દર્શનાવરણીય કર્મનો પ્રતિબંધ વિશેષ ઉત્પન્ન થાય છે. ઘણું કરીને જ્ઞાની તેવો પ્રતિબંધ કોઈને પોતા થકી ઉત્પન્ન ન થાય એમ વર્તે છે. જ્ઞાની પોતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાનો પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ. જ્ઞાની પ્રત્યે જેને કેવળ નિઃસ્પૃહ ભક્તિ છે, પોતાની ઇચ્છા તે થકી પૂર્ણ થતી ન દેખીને પણ જેને દોષ આવતો નથી, એવા જે જીવ છે, તેને જ્ઞાનીને આશ્રયે ધીરજથી વર્તતાં આપત્તિનો નાશ હોય છે; અથવા ઘણું મંદપણું થઈ જાય છે, એમ જાણીએ છીએ; તથાપિ તેવી ધીરજ રહેવી આ કાળને વિષે બહુ વિકટ છે, અને તેથી ઉપર જણાવ્યું છે, એવું પરિણામ ઘણીવાર આવતું અટકી જાય છે. અમને તો એવી જંજાળ વિષે ઉદાસીનપણું વર્તે છે. આ તો સ્મરણમાં આવવાથી લખ્યું છે. અમારે વિષે વર્તતો પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે ક્યારેય મન મળવા દેતો નથી, અને વ્યવહારનો પ્રતિબંધ તો આખો દિવસ રાખવો પડે છે. હાલ તો એમ ઉદય સ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખનો હેતુ છે. અમે તો પાંચ માસ થયાં જગત, ઈશ્વર અને અન્યભાવ એ સર્વને વિષે ઉદાસીનપણે વર્તીએ છીએ, તથાપિ તે વાર્તા તમને ગાંભીર્યપણે રહી જણાવી નથી. તમે જે પ્રકારે ઈશ્વરાદિ વિષે શ્રદ્ધાશીલ છો તેમ વર્તવું તમને કલ્યાણરૂપ છે, અમને તો કોઈ જાતનો ભેદભાવ નહીં ઉત્પન્ન થતો હોવાથી સર્વ જંજાળરૂપ વર્તે છે, એટલે ઈશ્વરાદિ સમેતમાં ઉદાસપણું વર્તે છે. આવું જે અમારું લખવું તે વાંચી કોઈ પ્રકારે સંદેહને વિષે પડવાને યોગ્ય તમે નથી. 1 મણિભાઈ સૌભાગ્યભાઈ વિષે.Page Navigation
1