Book Title: Vachanamrut 0362
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 362 અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે મુંબઈ, વૈશાખ સુદ 4, શનિ, 1948 હૃદયરૂપ શ્રી સુભાગ્ય, નમસ્કાર પહોંચે. અત્ર આત્મતા હોવાથી સમાધિ છે. અમે પૂર્ણકામપણા વિષે લખ્યું હતું, તે એવા આશયથી લખ્યું છે કે જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણે વર્તે છે. અન્ય સુખની જે ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. ખરું આત્મભાન થાય છે તેને, હું અન્ય ભાવનો અકર્તા છું એવો બોધ ઉત્પન્ન થઈ, અહંપ્રત્યયીબુદ્ધિ, તે વિલય પામે છે. એવું જે આત્મભાન તે વારંવાર ઉજ્વળપણે વર્યા કરે છે, તથાપિ જેમ ઇચ્છીએ તેમ તો નહીં. અત્ર સમાધિ સમાધિરૂપ.

Loading...

Page Navigation
1