Book Title: Vachanamrut 0339
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 339 કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે. મુંબઈ, ફાગણ સુદ 14, 1948 કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યાં માટે અમારો દોષ છે. જ્યોતિષની આમ્નાય સંબંધી કેટલીક વિગત લખી તે વાંચી છે. ઘણો ભાગ તેનો જાણવામાં છે. તથાપિ ચિત્ત તેમાં જરાય પ્રવેશ કરી શકતું નથી, અને તે વિષેનું વાંચવું, સાંભળવું કદાપિ ચમત્કારિક હોય, તોપણ બોજારૂપ લાગે છે. થોડી પણ તેમાં રુચિ રહી નથી. અમને તો માત્ર અપૂર્વ એવા સતના જ્ઞાન વિષે જ રુચિ રહે છે. બીજું જે કંઈ કરવામાં આવે છે, કે અનુસરવામાં આવે છે, તે બધું આસપાસનાં બંધનને લઈને કરવામાં આવે છે. હાલ જે કંઈ વ્યવહાર કરીએ છીએ, તેમાં દેહ અને મનને બાહ્ય ઉપયોગ વર્તાવવો પડે છે. આત્મા તેમાં વર્તતો નથી. ક્વચિત પૂર્વકર્માનુસાર વર્તાવું પડે છે તેથી અત્યંત આકુળતા આવી જાય છે. જે કંઈ પૂર્વે નિબંધન કરવામાં આવ્યાં છે, તે કર્મો નિવૃત્ત થવા અર્થે ભોગવી લેવા અર્થે, થોડા કાળમાં ભોગવી લેવાને અર્થે, આ વેપાર નામનું વ્યાવહારિક કામ બીજાને અર્થે સેવીએ છીએ. હાલ જે કરીએ છીએ તે વેપાર વિષે મને વિચાર આવ્યા કરેલ, અને ત્યાર પછી અનુક્રમે તે કામની શરૂઆત થઈ ત્યારથી તે અત્યાર સુધીમાં કામની દિન પ્રતિદિન કંઈ વૃદ્ધિ થયા કરી છે. અમે આ કામ પ્રેરેલું માટે તે સંબંધી ... બને તેટલું મજૂરી જેવું કામ પણ કર્યાનું રાખ્યું છે. કામની હવે ઘણી હદ વધી ગયેલી હોવાથી નિવૃત્ત થવાની અત્યંત બુદ્ધિ થઈ જાય છે. પણ .... ને દોષબુદ્ધિ આવી જવાનો સંભવ, તે અનંત સંસારનું કારણ .... ને થાય એમ જાણી જેમ બને તેમ ચિત્તનું સમાધાન કરી તે મજૂરી જેવું કામ પણ કર્યા જવું એમ હાલ તો ધાર્યું છે. આ કામની પ્રવૃત્તિ કરતી વખતે જેટલી અમારી ઉદાસીન દશા હતી તેથી આજ વિશેષ છે. અને તેથી અમે ઘણું કરીને તેમની વૃત્તિને ન અનુસરી શકીએ એવું છે; તથાપિ જેટલું બન્યું છે તેટલું અનુસરણ તો જેમ તેમ ચિત્ત સમાધાન કરી રાખ્યા કર્યું છે. કોઈ પણ જીવ પરમાર્થને ઇચ્છે અને વ્યાવહારિક સંગમાં પ્રીતિ રાખે, ને પરમાર્થ પ્રાપ્ત થાય એમ તો કોઈ કાળે બને જ નહીં. આ કામની નિવૃત્તિ પૂર્વકર્મ જોતાં તો હાલ થાય તેવું દેખાતું નથી. આ કામ પછી ‘ત્યાગ’ એવું અમે તો જ્ઞાનમાં જોયું હતું અને હાલ આવું સ્વરૂપ દેખાય છે, એટલી આશ્ચર્યવાર્તા છે. અમારી વૃત્તિને પરમાર્થ આડે અવકાશ નથી, તેમ છતાં ઘણો ખરો કાળ આ કામમાં ગાળીએ છીએ; અને તેનું કારણ માત્ર તેમને દોષબુદ્ધિ ન આવે એટલું જ છે; તથાપિ અમારી વર્તના જ એવી છે, કે જીવ તેનો જો ખ્યાલ ન કરી શકે તો તેટલું કામ કરતાં છતાં પણ દોષબુદ્ધિ જ રહ્યા કરે.

Loading...

Page Navigation
1