Book Title: Vachanamrut 0330
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 330 દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે મુંબઈ, માહ, 1948 કિસનદાસાદિ જિજ્ઞાસુઓ, દીર્ઘ કાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધબીજની પ્રાપ્તિ હોય છે; અને એ બોધબીજ તે પ્રાય નિશ્ચય સમ્યકત્વ હોય છે. જિને બાવીશ પ્રકારના પરિષહ કહ્યા છે, તેમાં દર્શનપરિષહ નામે એક પરિષહ કહ્યો છે, તેમજ એક બીજો અજ્ઞાનપરિષહ નામનો પરિષહ પણ કહ્યો છે. એ બન્ને પરિષહનો વિચાર કરવા યોગ્ય છે; એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે; અર્થાત તે ભૂમિકા (ગુણસ્થાનક) વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકચ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ, તો સમ્યકત્વની પ્રાપ્તિ થાય, તો તે સંકણું પ્રાયે (જ્ઞાનીનું સ્વરૂપ સમજાયે) ખોટું છે, એમ જણાય યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી, પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. અધ્યાત્મસાર’નું વાંચન, શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર ગ્રંથ વંચાવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ધકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. પરમાર્થ પ્રાપ્ત થવા વિષે કોઈ પણ પ્રકારનું આકુળવ્યાકુળપણું રાખવું - થવું - તેને ‘દર્શનપરિષહ' કહ્યો છે. એ પરિષહ ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. તમે ‘દર્શનપરિષહ'માં કોઈ પણ પ્રકારે વર્તો છો, એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગ્ય છે; એમ ઉપદેશ છે. ‘દર્શનપરિષહ'માં તમે પ્રાયે છો, એમ અમે જાણીએ છીએ. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્યભાવનાએ, વીતરાગભાવે, જ્ઞાની વિષે પરમભક્તિભાવે સન્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઇચ્છા કરવી નહીં, અર્થાત કંઈ પણ પ્રકારના દિવ્યતેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઇચ્છા, મનઃકલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી.

Loading...

Page Navigation
1