Book Title: Vachanamrut 0313
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 313 જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ મુંબઈ, પોષ સુદ 7, ગુરૂ, 1948 જ્ઞાનીના આત્માને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ. આપની સ્થિતિ લક્ષમાં છે. આપની ઇચ્છા પણ લક્ષમાં છે; ગુરૂ-અનુગ્રહવાળી વાર્તા લખી તે પણ ખરી છે. કર્મનું ઉદયપણું ભોગવવું પડે તે પણ ખરું છે. આપ અતિશય ખેદ વખતોવખત પામી જાઓ છો, તે પણ જાણીએ છીએ. વિયોગનો તાપ અસહ્ય આપને રહે છે તે પણ જાણીએ છીએ. ઘણા પ્રકારે સત્સંગમાં રહેવા જોગ છો એમ માનીએ છીએ, તથાપિ હાલ તો એમ સહન કરવું યોગ્ય માન્યું છે. ગમે તેવા દેશકાલને વિષે યથાયોગ્ય રહેવું, યથાયોગ્ય રહેવા ઇચ્છડ્યા જ કરવું એ ઉપદેશ છે. મનની ચિંતા લખી જણાવો તોય અમને તમારા ઉપર ખેદ થાય તેમ નથી. જ્ઞાન અન્યથા કરે નહીં, તેમ કરવું તેને સૂઝે નહીં, ત્યાં બીજો ઉપાય ઇચ્છવો પણ નહીં એમ વિનંતી છે. કોઈ એવા પ્રકારનો ઉદય છે કે, અપૂર્વ વીતરાગતા છતાં વેપાર સંબંધી કંઈક પ્રવર્તન કરી શકીએ છીએ, તેમ જ બીજાં પણ ખાવાપીવા વગેરેનાં પ્રવર્તન માંડ માંડ કરી શકીએ છીએ. મન ક્યાંય વિરામ પામતું નથી, ઘણું કરીને અત્ર કોઈનો સમાગમ ઇચ્છતું નથી. કંઈ લખી શકાતું નથી. વધારે પરમાર્થવાક્ય વદવા ઇચ્છા થતી નથી, કોઈએ પૂછેલા પ્રશ્નોનો ઉત્તર જાણતાં છતાં લખી શકતા નથી, ચિત્તનો પણ ઝાઝો સંગ નથી, આત્મા આત્મભાવે વર્તે છે. સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતો હોય એવી દશા રહે છે, જે ઘણું કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાનો પ્રસંગ નથી. આત્માને વિષે સહજ સ્મરણે પ્રાપ્ત થયેલું જ્ઞાન શ્રી વર્ધમાનને વિષે હતું એમ જણાય છે. પૂર્ણ વીતરાગ જેવો બોધ તે અમને સહેજે સાંભરી આવે છે, એટલે જ તમને અને ગોસલિયાને લખ્યું હતું કે તમે પદાર્થને સમજો. બીજો કોઈ તેમ લખવામાં હેતુ નહોતો.

Loading...

Page Navigation
1