Book Title: Vachanamrut 0162 Roj Nishi
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 162 શંકારૂપ વમળમાં - સત્સમાગમના દુર્લભપણામાં આલંબન - સ્વવિચારદશાને પ્રતિબંધ હે શ્રી........! તમે શંકારૂપ વમળમાં વારંવાર વહો છો તેનો અર્થ શો છે ? નિ:સંદેહ થઈને રહો, અને એ જ તમારો સ્વભાવ છે. હે અંતરાત્મા ! તમે કહ્યું જે વાક્ય તે યથાર્થ છે, નિઃસંદેહપણે સ્થિતિ એ સ્વભાવ છે, તથાપિ સંદેહના આવરણનો કેવળ ક્ષય જ્યાં સુધી કરી શકાયો ન હોય ત્યાં સુધી તે સ્વભાવ ચલાયમાન અથવા અપ્રાપ્ત રહે છે, અને તે કારણથી અમને પણ વર્તમાન દશા છે. હે શ્રી........! તમને જે કંઈ સંદેહ વર્તતા હોય તે સંદેહ સ્વવિચારથી અથવા સત્સમાગમથી ક્ષય કરો. હે અંતરાત્મા ! વર્તમાન આત્મદશા જોતાં જો પરમ સત્સમાગમ પ્રાપ્ત થયો હોય, અને તેમના આશ્રયે વૃત્તિ પ્રતિબંધ પામી હોય તો તે સંદેહની નિવૃત્તિનો હેતુ થવો સંભવે છે. બાકી બીજો કોઈ ઉપાય દેખાતો નથી, અને પરમ સત્સમાગમ અથવા સત્સમાગમ પણ પ્રાપ્ત થવો મહા કઠણ છે. હે શ્રી......! તમે કહો છો તેમ સત્સમાગમનું દુર્લભપણું છે, એમાં સંશય નથી, પણ તે દુર્લભપણું જો સુલભ ન થાય તેમ વિશેષ અનાગતકાળમાં પણ તમને દેખાતું હોય તો તમે શિથિલતાનો ત્યાગ કરી સ્વવિચારનું દ્રઢ અવલંબન ગ્રહણ કરો, અને પરમપુરુષની આજ્ઞામાં ભક્તિ રાખી સામાન્ય સત્સમાગમમાં પણ કાળ વ્યતીત કરો. હે અંતરાત્મા ! તે સામાન્ય સત્સમાગમી અમને પૂછી સંદેહની નિવૃત્તિ કરવા ઇચ્છે છે, અને અમારી આજ્ઞાએ પ્રવર્તવું કલ્યાણરૂપ છે એમ જાણી વશવર્તીપણે વર્યા કરે છે, જેથી અમને તેમના સમાગમમાં તો નિજવિચાર કરવામાં પણ તેમની સંભાળ લેવામાં પડવું પડે, અને પ્રતિબંધ થઈ સ્વવિચારદશા બહુ આગળ ન વધે, એટલે સંદેહ તો તેમ જ રહે. એવું સંદેહસહિતપણું હોય ત્યાં સુધી બીજા જીવોના એટલે સામાન્ય સત્સમાગમાદિમાં પણ આવવું ન ઘટે, માટે શું કરવું તે સૂઝતું નથી.

Loading...

Page Navigation
1