Book Title: Vachanamrut 0130
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ 130 એક મહાન ઇચ્છા - કલ્યાણકારક વિટંબનદશા - અંતઃકરણથી ઊગેલી ઊર્મિઓનું સ્મરણ - છ મહા પ્રવચનો : નિરંતર સંશોધન યોગ્ય - સ્વપર અનુગ્રહતાઓ પરસ્પર પોષક - ધર્મ જ જેનું સર્વસ્વ છે - મનુષ્યદેહે પરમાત્મા - આત્મભાવની વૃદ્ધિ, દેહભાવને ઘટાડવો વવાણિયા, પ્ર. ભાદ્ર. સુદ 11, ભોમ, 1946 ધર્મેચ્છક ભાઈ ખીમજી, કેટલાંક વર્ષ થયાં એક મહાન ઇચ્છા અંતઃકરણમાં પ્રવર્તી રહી છે, જે કોઈ સ્થળે કહી નથી, કહી શકાઈ નથી, કહી શકાતી નથી; નહીં કહેવાનું અવશ્ય છે. મહાન પરિશ્રમથી ઘણું કરીને તે પાર પાડી શકાય એવી છે; તથાપિ તે માટે જેવો જોઈએ તેવો પરિશ્રમ થતો નથી, એ એક આશ્ચર્ય અને પ્રમત્તતા છે. એ ઇચ્છા સ્વાભાવિક ઉત્પન્ન થઈ હતી. જ્યાં સુધી તે યથાયોગ્ય રીતે પાર નહીં કરાય ત્યાં સુધી આત્મા સમાધિસ્થ થવા ઇચ્છતો નથી, અથવા થશે નહીં. કોઈ વેળા અવસર હશે તો તે ઇચ્છાની છાયા જણાવી દેવાનું પ્રયત્ન કરીશ. એ ઇચ્છાનાં કારણને લીધે જીવ ઘણું કરીને વિટંબનદશામાં જ જીવન વ્યતીત કર્યો જાય છે. જો કે તે વિટંબનદશા પણ કલ્યાણકારક જ છે; તથાપિ બીજા પ્રત્યે તેવી કલ્યાણકારક થવામાં કંઈક ખામીવાળી છે. અંતઃકરણથી ઊગેલી અનેક ઊર્મિઓ તમને ઘણી વાર સમાગમમાં જણાવી છે. સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઇચ્છા થતી જોવામાં આવી છે. ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઊર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો. 1. આત્મા છે. 2. તે બંધાયો છે. 3. તે કર્મનો કર્તા છે. 4. તે કર્મનો ભોક્તા છે. 5. મોક્ષનો ઉપાય છે. 6. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. બીજાની વિટંબનાનો અનુગ્રહ નહીં કરતાં પોતાની અનુગ્રહતા ઇચ્છનાર જય પામતો નથી; એમ પ્રાયે થાય છે. માટે ઇચ્છું છું કે તમે સ્વાત્માના અનુગ્રહમાં દ્રષ્ટિ આપી છે તેની વૃદ્ધિ કરતા રહેશો; અને તેથી પરની અનુગ્રહતા પણ કરી શકશો.

Loading...

Page Navigation
1