Book Title: Vachanamrut 0017 098 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 98. તત્ત્વાવબોધ - ભાગ 17 જે ન્યાયથી જય મેળવી શકતો નથી તે પછી ગાળો ભાંડે છે, તેમ પવિત્ર જૈનના અખંડ તત્ત્વસિદ્ધાંતો શંકરાચાર્ય, દયાનંદ સંન્યાસી વગેરે જ્યારે તોડી ન શક્યા ત્યારે પછી ‘જૈન નાસ્તિક હૈ, સો ચાર્વાકમૅસે ઉત્પન્ન હુઆ હૈ,' એમ કહેવા માંડ્યું. પણ એ સ્થળે કોઈ પ્રશ્ન કરે કે, મહારાજ ! એ વિવેચન તમે પછી કરો. એવા શબ્દો કહેવામાં કંઈ વખત, વિવેક કે જ્ઞાન જોઈતું નથી; પણ આનો ઉત્તર આપો કે જૈન વેદથી કઈ વસ્તુમાં ઊતરતો છે; એનું જ્ઞાન, એનો બોધ, એનું રહસ્ય અને એનું સશીલ કેવું છે તે એક વાર કહો ! આપના વેદવિચારો કઈ બાબતમાં જૈનથી ચઢે છે ? આમ જ્યારે મર્મસ્થાન પર આવે ત્યારે મૌનતા સિવાય તેઓ પાસે બીજું કંઈ સાધન રહે નહીં. જે સત્પરુષોનાં વચનામૃત અને યોગબળથી આ સૃષ્ટિમાં સત્ય, દયા, તત્વજ્ઞાન અને મહાશીલ ઉદય પામે છે, તે પુરુષો કરતાં જે પુરુષો શૃંગારમાં રાચ્યા પડ્યા છે, સામાન્ય તત્વજ્ઞાનને પણ નથી જાણતા, જેનો આચાર પણ પૂર્ણ નથી તેને ચઢતા કહેવા, પરમેશ્વરને નામે સ્થાપવા અને સત્યસ્વરૂપની અવર્ણ ભાષા બોલવી, પરમાત્મસ્વરૂપ પામેલાને નાસ્તિક કહેવા, એ એમની કેટલી બધી કર્મની બહોળતાનું સૂચવન કરે છે ! પરંતુ જગત મોહાંધ છે, મતભેદ છે ત્યાં અંધારું છે; મમત્વ કે રાગ છે ત્યાં સત્યતત્ત્વ નથી એ વાત આપણે શા માટે ન વિચારવી ! હું એક મુખ્ય વાત તમને કહું છું કે જે મમત્વરહિતની અને ન્યાયની છે. તે એ છે કે ગમે તે દર્શનને તમે માનો; ગમે તો પછી તમારી દ્રષ્ટિમાં આવે તેમ જૈનને કહો, સર્વ દર્શનનાં શાસ્ત્રતત્વને જુઓ, તેમ જૈનતત્વને પણ જુઓ. સ્વતંત્ર આત્મિક શક્તિએ જે યોગ્ય લાગે તે અંગીકાર કરો. મારું કે બીજા ગમે તેનું ભલે એકદમ તમે માન્ય ન કરો પણ તત્ત્વને વિચારો.Page Navigation
1