Book Title: Vachanamrut 0017 095 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 95. તત્ત્વાવબોધ - ભાગ 14 જૈન એ એટલી બધી સૂક્ષ્મ વિચારસંકળનાથી ભરેલું દર્શન છે કે જેમાં પ્રવેશ કરતાં પણ બહુ વખત જોઈએ. ઉપર ઉપરથી કે કોઈ પ્રતિપક્ષીના કહેવાથી અમુક વસ્તુ સંબંધી અભિપ્રાય બાંધવો કે આપવો એ વિવેકીનું કર્તવ્ય નથી. એક તળાવ સંપૂર્ણ ભર્યું હોય, તેનું જળ ઉપરથી સમાન લાગે છે; પણ જેમ જેમ આગળ ચાલીએ છીએ તેમ તેમ વધારે વધારે ઊંડાપણું આવતું જાય છે; છતાં ઉપર તો જળ સપાટ જ રહે છે, તેમ જગતના સઘળા ધર્મમતો એક તળાવરૂપ છે. તેને ઉપરથી સામાન્ય સપાટી જોઈને સરખા કહી દેવા એ ઉચિત નથી. એમ કહેનારા તત્વને પામેલા પણ નથી, જૈનના અક્કેકા પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય, તોપણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નીરાગી અને સર્વજ્ઞા થઇ જાય છે. એના પ્રવર્તકો કેવા પવિત્ર પુરુષો હતા ! એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એવો એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્કે તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈન દર્શન છે. પ્રયોજનભૂત તત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી, તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એકે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું ? તો માત્ર તેની પરિપૂર્ણતા, નીરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.

Loading...

Page Navigation
1