Book Title: Vachanamrut 0017 086 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 86. તત્ત્વાવબોધ - ભાગ 5 એક વાર એક સમર્થ વિદ્વાનથી નિર્ગથપ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ; તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું હું માન્ય રાખું છું કે મહાવીર એ એક સમર્થ તત્વજ્ઞાની પુરુષ હતા; એમણે જે બોધ કર્યો છે, તે ઝીલી લઈ પ્રજ્ઞાવંત પુરુષોએ અંગ, ઉપાંગની યોજના કરી છે, તેના જે વિચારો છે તે ચમત્કૃતિ ભરેલા છે; પરંતુ એ ઉપરથી આખી સૃષ્ટિનું જ્ઞાન એમાં રહ્યું છે એમ હું કહી ન શકું. એમ છતાં જો તમે કંઈ એ સંબધી પ્રમાણ આપતા હો તો હું એ વાતની કંઈ શ્રદ્ધા લાવી શકું. એના ઉત્તરમાં મેં એમ કહ્યું કે હું કંઈ જૈન વચનામૃતને યથાર્થ તો શું પણ વિશેષ ભેદે કરીને પણ જાણતો નથી, પણ જે સામાન્ય ભાવે જાણું છું એથી પણ પ્રમાણ આપી શકું ખરો. પછી નવતત્વવિજ્ઞાન સંબંધી વાતચીત નીકળી. મેં કહ્યું, એમાં આખી સૃષ્ટિનું જ્ઞાન આવી જાય છે; પરંતુ યથાર્થ સમજવાની શક્તિ જોઈએ. પછી તેઓએ એ કથનનું પ્રમાણ માગ્યું, ત્યારે આઠ કર્મ મેં કહી બતાવ્યાં; તેની સાથે એમ સૂચવ્યું કે એ સિવાય એનાથી ભિન્નભાવ દર્શાવે એવું નવમું કર્મ શોધી આપો. પાપની અને પુણ્યની પ્રકૃતિઓ કહીને કહ્યું : આ સિવાય એક પણ વધારે પ્રકૃતિ શોધી આપો. એમ કહેતાં કહેતાં અનુક્રમે વાત લીધી. પ્રથમ જીવના ભેદ કહી પૂછ્યું : એમાં કંઈ જૂનાધિક કહેવા માગો છો? અજીવદ્રવ્યના ભેદ કહી પૂછયું : કંઈ વિશેષતા કહો છો ? એમ નવતત્ત્વ સંબંધી વાતચીત થઈ ત્યારે તેઓએ થોડી વાર વિચાર કરીને કહ્યું : આ તો મહાવીરની કહેવાની અદભુત ચમત્કૃતિ છે કે જીવનો એક નવો ભેદ મળતો નથી; તેમ પાપપુણ્યાદિકની એક પ્રકૃતિ વિશેષ મળતી નથી, અને નવમું કર્મ પણ મળતું નથી. આવા આવા તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો જૈનમાં છે એ મારું લક્ષ નહોતું. આમાં આખી સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન કેટલેક અંશે આવી શકે ખરું.Page Navigation
1