Book Title: Vachanamrut 0017 083 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 83. તત્વાવબોધ - ભાગ 2 સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. તેનો ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લોકાલોકનાં સ્વરૂપ વિષેના અનંત ભેદ જાણ્યા હતા, પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણિએ ચઢવા મુખ્ય દેખાતા નવ પદાર્થ તેઓએ દર્શાવ્યા. એથી લોકાલોકના સર્વ ભાવનો એમાં સમાવેશ આવી જાય છે. નિર્ગથપ્રવચનનો જે જે સૂક્ષ્મ બોધ છે, તે તત્વની દ્રષ્ટિએ નવ તત્વમાં સમાઈ જાય છે; તેમજ સઘળા ધર્મમતોના સૂક્ષ્મ વિચાર એ નવ તત્ત્વવિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહત ભગવાનનો પવિત્ર બોધ છે. એ અનંત શક્તિઓ ત્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે નવ તત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ નવ તત્વ સ્વરૂપ જ્ઞાનને સહાયરૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ નવ તત્વ સ્વરૂપ જ્ઞાનનો બોધ કરે છે, એથી આ નિઃશંક માનવા યોગ્ય છે કે નવ તત્ત્વ જેણે અનંત ભાવ ભેદ જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદર્શી થયો. એ નવ તત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. હેય, શેય અને ઉપાદેય, એટલે ત્યાગ કરવા યોગ્ય, જાણવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય, એમ ત્રણ ભેદ નવતત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. પ્રશ્ન:- જે ત્યાગવારૂપ છે તેને જાણીને કરવું શું ? જે ગામ ન જવું તેનો માર્ગ શા માટે પૂછવો ? ઉત્તરઃ- એ તમારી શંકા સહજમાં સમાધાન થઈ શકે તેવી છે. ત્યાગવારૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવારૂપ વસ્તુને જાણવાનું મૂળતત્વ આ છે કે જો તે જાણી ન હોય તો અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી જવાય. એક ગામથી બીજ પહોંચતાં સુધી વાટમાં જે જે ગામ આવવાનાં હોય તેનો રસ્તો પણ પૂછવો પડે છે, નહીં તો જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછડ્યાં પણ ત્યાં વાસ કર્યો નહીં તેમ પાપાદિક તત્ત્વો જાણવાં પણ ગ્રહણ કરવાં નહીં. જેમ વાટમાં આવતાં ગામનો ત્યાગ કર્યો તેમ તેનો પણ ત્યાગ કરવો અવયનો છે.Page Navigation
1