Book Title: Vachanamrut 0017 066 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 66. સુખ વિષે વિચાર - ભાગ 6 ધનાઢ્ય - આપને મારી વાત રુચી એથી હું નિરભિમાનપૂર્વક આનંદ પામું છું. આપને માટે હું યોગ્ય યોજના કરીશ. મારા સામાન્ય વિચારો કથાનુરૂપ અહીં હું કહેવાની આજ્ઞા લઉં છું. જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડ્યા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઈને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મુલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે. જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અભ્યારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સપુરુષોને સેવે છે, જેણે નિર્ગથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે. સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દ્રષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેંદ્રિય અને જિતકષાય તે નિગ્રંથો પરમ સુખી છે. સર્વ ઘનઘાતી કર્મનો ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડ્યાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તો સંપૂર્ણ સુખી જ છે. મોક્ષમાં તેઓ અનંત જીવનના અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે. આમ સપુરુષોએ કહેલો મત મને માન્ય છે. પહેલો તો મને ત્યાજ્ય છે. બીજો હમણાં માન્ય છે, અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાનો મારો બોધ છે. ત્રીજો બહુ માન્ય છે. અને ચોથો તો સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. એમ પંડિતજી, આપની અને મારી સુખસંબંધી વાતચીત થઈ. પ્રસંગોપાત્ત તે વાત ચર્ચતા જઈશું. તે પર વિચાર કરીશું. આ વિચારો આપને કહ્યાથી મને બહુ આનંદ થયો છે. આપ તેવા વિચારને અનુકૂળ થયા એથી વળી આનંદમાં વૃદ્ધિ થઈ છે. પરસ્પર એમ વાતચીત કરતાં કરતાં હર્ષભેર પછી તેઓ સમાધિભાવથી શયન કરી ગયા. જે વિવેકીઓ આ સુખસંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્ત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલાં અલ્પારંભી નિરારંભી અને સર્વમુક્ત લક્ષણો લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયના હિત ભણી વળવું. પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તો વિશેષ કહેવારૂપ જ નથી. મુક્તાત્મા તો અનંત સુખમય જ છે.

Loading...

Page Navigation
1