Book Title: Vachanamrut 0017 062 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 62. સુખ વિષે વિચાર - ભાગ 2 કેવાં એનાં સુંદર ઘર છે ! તેની સ્વચ્છતા અને જાળવણી કેવી સુંદર છે ! કેવી શાણી અને મનોજ્ઞા તેની સુશીલ સ્ત્રી છે ! તેના જેવા કાંતિમાન અને કહ્યાગરા પુત્રો છે ! કેવું સંપીલું તેનું કુટુંબ છે! લક્ષ્મીની મહેર પણ એને ત્યાં કેવી છે! આખા ભારતમાં એના જેવો બીજો કોઈ સુખી નથી. હવે તપ કરીને જો હું મારું તો આ મહાધનાઢ્ય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહીં. દિવસ વીતી ગયો અને રાત્રિ થઈ. સૂવાનો વખત થયો. ધનાઢ્ય અને બ્રાહ્મણ એકાંતમાં બેઠા હતા; પછી ધનાઢ્ય વિપ્રને આગમન કારણ કહેવા વિનંતી કરી. વિપ્ર - હં ઘેરથી એવો વિચાર કરી નીકળ્યો હતો કે બધાથી વધારે સુખી કોણ છે તે જોવું, અને તપ કરીને પછી એના જેવું સુખ સંપાદન કરવું. આખા ભારત અને તેનાં સઘળાં રમણીય સ્થળો જોયાં, પરંતુ કોઈ જાધિરાજને ત્યાં પણ મને સંપૂર્ણ સુખ જોવામાં આવ્યું નહીં. જ્યાં જોયું ત્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ જોવામાં આવી. આ ભણી આવતાં આપની પ્રશંસા સાંભળી, એટલે હું અહીં આવ્યો; અને સંતોષ પણ પામ્યો. આપના જેવી રિદ્ધિ, સપુત્ર, કમાઈ, સ્ત્રી, કુટુંબ, ઘર વગેરે મારા જોવામાં ક્યાંય આવ્યું નથી. આપ પોતે પણ ધર્મશીલ, સગુણી અને જિનેશ્વરના ઉત્તમ ઉપાસક છો. એથી હું એમ માનું છું કે આપના જેવું સુખ બીજે નથી. ભારતમાં આપ વિશેષ સુખી છો. ઉપાસના કરીને કદાપિ દેવ કને યાચું તો આપના જેવી સુખસ્થિતિ યાચું. ધનાઢય - પંડિતજી, આપ એક બહુ મર્મભરેલા વિચારથી નીકળ્યા છો; એટલે અવશય આપને જેમ છે તેમ સ્વાનુભવી વાત કહું છું, પછી જેમ તમારી ઇચ્છા થાય તેમ કરજો. મારે ત્યાં આપે જે જે સુખ જોયાં તે તે સુખ ભારતસંબંધમાં ક્યાંય નથી એ આપે કહ્યું તો તેમ હશે; પણ ખરું એ મને સંભવતું નથી; મારો સિદ્ધાંત આવો છે કે જગતમાં કોઈ સ્થળે વાસ્તવિક સુખ નથી. જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુઓ છો પણ વાસ્તવિક રીતે હું સુખી નથી. વિપ્ર - આપનું આ કહેવું કોઈ અનુભવસિદ્ધ અને માર્મિક હશે. મેં અનેક શાસ્ત્રો જોયાં છે; છતાં મર્મપૂર્વક વિચારો આવા લક્ષમાં લેવા પરિશ્રમ જ લીધો નથી. તેમ મને એવો અનુભવ સર્વને માટે થઈને થયો નથી. હવે આપને શું દુઃખ છે તે મને કહો. ધનાઢ્ય - પંડિતજી, આપની ઇચ્છા છે તો હું કહું છું તે લક્ષપૂર્વક મનન કરવા જેવું છે; અને એ ઉપરથી કંઈ રસ્તો પામવા જેવું છે.

Loading...

Page Navigation
1