Book Title: Vachanamrut 0017 061 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 61. સુખ વિષે વિચાર - ભાગ 1 એક બ્રાહ્મણ દરિદ્રાવસ્થાથી કરીને બહુ પીડાતો હતો. તેણે કંટાળીને છેવટે દેવનું ઉપાસન કરી લક્ષ્મી મેળવવાનો નિશ્ચય કર્યો. પોતે વિદ્વાન હોવાથી ઉપાસના કરવા પહેલાં વિચાર કર્યો કે કદાપિ દેવ તો કોઈ તુષ્ટમાન થશે; પણ પછી તે આગળ સુખ કયું માગવું? તપ કરી પછી માગવામાં કંઈ સૂઝે નહીં, અથવા ન્યૂનાધિક સૂઝે તો કરેલું તપ પણ નિરર્થક જાય; માટે એક વખત આખા દેશમાં પ્રવાસ કરવો. સંસારના મહપુરુષોનાં ધામ, વૈભવ અને સુખ જોવાં. એમ નિશ્ચય કરી તે પ્રવાસમાં નીકળી પડ્યો. ભારતનાં જે જે રમણીય અને રિદ્ધિમાન શહેરો હતાં તે જોયાં. યુક્તિ-પ્રયુક્તિએ રાજાધિરાજનાં અંતઃપુર, સુખ અને વૈભવ જોયાં. શ્રીમંતોના આવાસ, વહીવટ, બાગબગીચા અને કુટુંબ પરિવાર જોયા; પણ એથી તેનું કોઈ રીતે મન માન્યું નહીં. કોઈને સ્ત્રીનું દુઃખ, કોઈને પતિનું દુઃખ, કોઈને અજ્ઞાનથી દુઃખ, કોઈને વહાલાંના વિયોગનું દુઃખ, કોઈને નિર્ધનતાનું દુ:ખ, કોઈને લક્ષ્મીની ઉપાધિનું દુ:ખ, કોઈને શરીર સંબંધી દુ:ખ, કોઈને પુત્રનું દુઃખ, કોઈને શત્રુનું દુઃખ, કોઈને જડતાનું દુઃખ, કોઈને માબાપનું દુઃખ, કોઈને વૈધવ્યદુ:ખ, કોઈને કુટુંબનું દુઃખ, કોઈને પોતાના નીચ કુળનું દુ:ખ, કોઈને પ્રીતિનું દુઃખ, કોઈને ઇર્ષ્યાનું દુ:ખ, કોઈને હાનિનું દુઃખ, એમ એક બે વિશેષ કે બધાં દુઃખ સ્થળે સ્થળે તે વિપ્રના જોવામાં આવ્યાં. એથી કરીને એનું મન કોઈ સ્થળે માન્યું નહીં; જ્યાં જુઓ ત્યાં દુઃખ તો ખરું જ. કોઈ સ્થળે સંપૂર્ણ સુખ તેના જોવામાં આવ્યું નહીં. હવે ત્યારે શું માગવું ? એમ વિચારતાં વિચારતાં એક મહાધનાઢ્યની પ્રશંસા સાંભળીને તે દ્વારિકામાં આવ્યો. દ્વારિકા મહારિદ્ધિમાન, વૈભવયુક્ત, બાગબગીચા વડે કરીને સુશોભિત અને વસ્તીથી ભરપૂર શહેર તેને લાગ્યું. સુંદર અને ભવ્ય આવાસો જોતો અને પૂછતો પૂછતો તે પેલા મહાધનાઢ્યને ઘેર ગયો. શ્રીમંત મુખગૃહમાં બેઠા હતા. તેણે અતિથિ જાણીને બ્રાહ્મણને સન્માન આપ્યું. કુશળતા પૂછી અને ભોજનની તેઓને માટે યોજના કરાવી. જરા વાર જવા દઈ ધીરજથી શેઠે બ્રાહ્મણને પૂછ્યું, આપનું આગમન કારણ જો મને કહેવા જેવું હોય તો કહો. બ્રાહ્મણે કહ્યું, હમણાં આપ ક્ષમા રાખો; આપનો સઘળી જાતનો વૈભવ, ધામ, બાગબગીચા ઇત્યાદિક મને દેખાડવું પડશે, એ જોયા પછી આગમન કારણ કહીશ. શેઠે એનું કંઈ મર્મરૂપ કારણ જાણીને કહ્યું, ભલે આનંદપૂર્વક આપની ઈચ્છા પ્રમાણે કરો. જમ્યા પછી બ્રાહ્મણે શેઠને પોતે સાથે આવીને ધામાદિક બતાવવા વિનંતી કરી. ધનાઢ્ય તે માન્ય રાખી અને પોતે સાથે જઈ બાગબગીચા, ધામ, વૈભવ, એ સઘળું દેખાડ્યું. શેઠની સ્ત્રી, પુત્રો પણ ત્યાં બ્રાહ્મણના જોવામાં આવ્યા. યોગ્યતાપૂર્વક તેઓએ તે બ્રાહ્મણનો સત્કાર કર્યો, એઓનાં રૂપ, વિનય અને સ્વચ્છતા તેમજ મધુર વાણી જોઈને બ્રાહ્મણ રાજી થયો. પછી તેની દુકાનનો વહીવટ જોયો. સોએક વહીવટિયા ત્યાં બેઠેલા જોયા. તેઓ પણ માયાળ, વિનયી અને નમ્ર તે બ્રાહ્મણના જોવામાં આવ્યા. એથી તે બહ સંતુષ્ટ થયો. એનું મન અહીં કંઈક સંતોષાયું. સુખી તો જગતમાં આ જ જણાય છે એમ તેને લાગ્યું.Page Navigation
1