Book Title: Vachanamrut 0017 059 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 59. ધર્મના મતભેદ-ભાગ 2 આટલું તો તમારે સ્પષ્ટ માનવું કે ગમે તે એક ધર્મ આ સૃષ્ટિ પર સંપૂર્ણ સત્યતા ધરાવે છે. હવે એક દર્શનને સત્ય કહેતાં બાકીના ધર્મમતને કેવળ અસત્ય કહેવા પડે; પણ હું એમ કહી ન શકું. શુદ્ધ આત્મજ્ઞાનદાતા નિશ્ચયનય વડે તો તે અસત્યરૂપ ઠરે, પરંતુ વ્યવહારનયે તે અસત્ય ઠરાવી શકાય નહીં. એક સત્ય અને બાકીના અપૂર્ણ અને સદોષ છે એમ હું કહું છું. તેમજ કેટલાક કુતર્કવાદી અને નાસ્તિક છે તે કેવળ અસત્ય છે; પરંતુ જેઓ પરલોક સંબંધી કે પાપ સંબંધી કંઈ પણ બોધ કે ભય બતાવે છે તે જાતના ધર્મમતને અપૂર્ણ અને સદોષ કહી શકાય છે. એક દર્શન જે નિર્દોષ અને પૂર્ણ કહેવાનું છે તેની વાત હમણાં એક બાજુ રાખીએ. હવે તમને શંકા થશે કે સદોષ અને અપૂર્ણ એવું કથન એના પ્રવર્તકે શા માટે બોધ્યું હશે ? તેનું સમાધાન થવું જોઈએ. એ ધર્મમતવાળાઓની જ્યાં સુધી બુદ્ધિની ગતિ પહોંચી ત્યાં સુધી તેમણે વિચાર કર્યા. અનુમાન, તર્ક અને ઉપમાદિક આધાર વડે તેઓને જે કથન સિદ્ધ જણાયું તે પ્રત્યક્ષરૂપે જાણે સિદ્ધ છે એવું તેમણે દર્શાવ્યું. જે પક્ષ લીધો તેમાં મુખ્ય એકાંતિક વાદ લીધો; ભક્તિ, વિશ્વાસ, નીતિ, જ્ઞાન કે ક્રિયા એમાંના એક વિષયને વિશેષ વર્ણવ્યો, એથી બીજા માનવા યોગ્ય વિષયો તેમણે દૂષિત કરી દીધા. વળી જે વિષયો તેમણે વર્ણવ્યા તે સર્વ ભાવભેદે તેઓએ કંઈ જાણ્યા નહોતા, પણ પોતાની મહાબુદ્ધિ અનુસારે બહુ વર્ણવ્યા. તાર્કિક સિદ્ધાંત દ્રષ્ટાંતાદિકથી સામાન્ય બુદ્ધિવાળા આગળ કે જડભરત આગળ તેઓએ સિદ્ધ કરી બતાવ્યો. કીતિ, લોકહિત, કે ભગવાન મનાવાની આકાંક્ષા એમાંની એકાદિ પણ એમના મનની ભ્રમણા હોવાથી અત્યુઝ ઉદ્યમાદિકથી તેઓ જય પામ્યા. કેટલાકે શૃંગાર અને ‘લહેરી’ સાધનોથી મનુષ્યનાં મન હરણ કર્યાં. દુનિયા મોહિનીમાં તો મૂળે ડૂબી પડી છે, એટલે એ લહેરી દર્શનથી ગાડરરૂપે થઈને તેઓએ રાજી થઈ તેનું કહેવું માન્ય રાખ્યું. કેટલાકે નીતિ તથા કંઈ વૈરાગ્યાદિ ગુણ દેખી તે કથન માન્ય રાખ્યું. પ્રવર્તકની બુદ્ધિ તેઓ કરતાં વિશેષ હોવાથી તેને પછી ભગવાનરૂપ જ માની લીધા. કેટલાકે વૈરાગ્યથી ધર્મમત ફેલાવી પાછળથી કેટલાંક સખશીલિયાં સાધનનો બોધ ખોસી દીધો. પોતાનો મત સ્થાપન કરવાની મહાન ભ્રમણાએ અને પોતાની અપૂર્ણતા ઇત્યાદિક ગમે તે કારણથી બીજાને કહેલું પોતાને ન રુચ્યું એટલે તેણે જુદો જ રાહ કાઢ્યો. આમ અનેક મતમતાંતરની જાળ થતી ગઈ. ચાર પાંચ પેઢી એકનો એક ધર્મ પાળ્યો એટલે પછી તે કુળધર્મ થઈ પડ્યો. એમ સ્થળે સ્થળે થતું ગયું. 1 દ્વિ. આ. પાઠા. - ‘લોકેરિછત'

Loading...

Page Navigation
1