Book Title: Vachanamrut 0017 056 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 56. ક્ષમાપના હે ભગવાન! હં બહ ભૂલી ગયો, મેં તમારાં અમૂલ્ય વચનને લક્ષમાં લીધાં નહીં. તમારાં કહેલાં અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારાં પ્રણીત કરેલાં ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારાં કહેલાં દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવન ! હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંતસંસારની વિટંબામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા ! તમારાં કહેલાં તત્ત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું, મારામાં વિવેકશક્તિ નથી અને હું મૂઢ છું, હું નિરાશ્રિત છું, અનાથ છું. નીરાગી પરમાત્મા ! હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલાં પાપોનો હું હવે પશ્ચાત્તાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નીરાગી, નિર્વિકારી, સચિદાનંદસ્વરૂપ, સહજાનંદી, અનંતજ્ઞાની, અનંતદર્શી અને રૈલોક્યપ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારાં કહેલાં તત્વની શંકા ન થાય, તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ ! હે સર્વજ્ઞ ભગવાન તમને હું વિશેષ શું કહું ? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાત્તાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઇચ્છું છું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃPage Navigation
1