Book Title: Vachanamrut 0017 044 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 44. રાગ શ્રમણ ભગવાન મહાવીરના અગ્રેસર ગણધર ગૌતમનું નામ તમે બહુ વાર વાંચ્યું છે. ગૌતમસ્વામીના બોધેલા કેટલાક શિષ્યો કેવળજ્ઞાન પામ્યા છતાં ગૌતમ પોતે કેવળજ્ઞાન પામતા નહોતા, કારણ ભગવાન મહાવીરનાં અંગોપાંગ, વર્ણ, વાણી, રૂપ ઇત્યાદિક પર હજુ ગૌતમને મોહિની હતી. નિગ્રંથ પ્રવચનનો નિષ્પક્ષપાતી ન્યાય એવો છે કે, ગમે તે વસ્તુ પરનો રાગ દુઃખદાયક છે. રાગ એ મોહિની અને મોહિની એ સંસાર જ છે. ગૌતમના હૃદયથી એ રાગ જ્યાં સુધી ખસ્યો નહીં ત્યાં સુધી તેઓ કેવળજ્ઞાન પામ્યા નહીં. પછી શ્રમણ ભગવાન જ્ઞાતપુત્ર જ્યારે અનુપમેય સિદ્ધિને પામ્યા, ત્યારે ગૌતમ નગરમાંથી આવતા હતા. ભગવાનના નિર્વાણ સમાચાર સાંભળીને તેઓ ખેદ પામ્યા. વિરહથી તેઓ અનુરાગ વચનથી બોલ્યાઃ “હે મહાવીર ! તમે મને સાથે તો ન લીધો, પરંતુ સંભાર્યોયે નહીં. મારી પ્રીતિ સામી તમે દ્રષ્ટિ પણ કરી નહીં ! આમ તમને છાજતું નહોતું.” એવા તરંગો કરતાં કરતાં તેનું લક્ષ ફર્યું ને તે નીરાગ શ્રેણિએ ચઢયા. “હું બહુ મૂર્ખતા કરું છું. એ વીતરાગ નિર્વિકારી અને નીરાગી તે મારામાં કેમ મોહિની રાખે ? એની શત્રુ અને મિત્ર પર કેવળ સમાન દ્રષ્ટિ હતી. હું એ નીરાગીનો મિથ્યા મોહ રાખું છું. મોહ સંસારનું પ્રબળ કારણ છે.” એમ વિચારતાં વિચારતાં તેઓ શોક તજીને નીરાગી થયા. એટલે અનંતજ્ઞાન પ્રકાશિત થયું, અને પ્રાંતે નિર્વાણ પધાર્યા. ગૌતમમુનિનો રાગ આપણને બહુ સૂક્ષ્મ બોધ આપે છે. ભગવાન પરનો મોહ ગૌતમ જેવા ગણધરને દુઃખદાયક થયો, તો પછી સંસારનો, તે વળી પામર આત્માઓનો મોહ કેવું અનંત દુઃખ આપતો હશે ! સંસારરૂપી ગાડીને રાગ અને દ્વેષ એ બે રૂપી બળદ છે. એ ન હોય તો સંસારનું અટકન છે. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી, આ માન્ય સિદ્ધાંત છે. રાગ તીવ્ર કર્મબંધનનું કારણ છે; એના ક્ષયથી આત્મસિદ્ધિ છે.

Loading...

Page Navigation
1