Book Title: Vachanamrut 0017 041 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 41. ભિખારીનો ખેદ-ભાગ 1 એક પામર ભિખારી જંગલમાં ભટકતો હતો. ત્યાં તેને ભૂખ લાગી એટલે તે બિચારો લડથડિયાં ખાતો ખાતો એક નગરમાં એક સામાન્ય મનુષ્યને ઘેર પહોંચ્યો. ત્યાં જઈને તેણે અનેક પ્રકારની આજીજી કરી, તેના કાલાવાલાથી કરુણા પામીને તે ગૃહસ્થની સ્ત્રીએ તેને ઘરમાંથી જમતાં વધેલું મિષ્ટાન્ન ભોજન આણી આપ્યું. ભોજન મળવાથી ભિખારી બહુ આનંદ પામતો પામતો નગરની બહાર આવ્યો; આવીને એક ઝાડ તળે બેઠો; ત્યાં જરા સ્વચ્છ કરીને એક બાજુએ અતિ જૂનો થયેલો પોતાનો જળનો ઘડો મૂકયો. એક બાજુએ પોતાની ફાટીઘૂટી મલિન ગોદડી મૂકી અને એક બાજુએ પોતે તે ભોજન લઈને બેઠો. રાજી રાજી થતાં એણે તે ભોજન ખાઈને પૂરું કર્યું. ઓશીકે પછી એક પથ્થર મૂકીને તે સૂતો. ભોજનના મદથી જરા વારમાં તેની આંખો મીંચાઈ ગઈ. નિદ્રાવશ થયો એટલે તેને એક સ્વપ્ન આવ્યું. પોતે જાણે મહા રાજરિદ્ધિને પામ્યો છે; સુંદર વસ્ત્રાભૂષણ ધારણ કર્યા , દેશ આખામાં પોતાના વિજયનો ડંકો વાગી ગયો છે; સમીપમાં તેની આજ્ઞા અવલંબન કરવા અનુચરો ઊભા થઈ રહ્યા છે; આજુબાજુ છડીદારો ખમા ખમા પોકારે છે; એક રમણીય મહેલમાં સુંદર પલંગ પર તેણે શયન કર્યું છે, દેવાંગના જેવી સ્ત્રીઓ તેના પગ ચાંપે છે; પંખાથી એક બાજુએથી પંખાનો મંદ મંદ પવન ઢોળાય છે, એવા સ્વપ્નામાં તેનો આત્મા ચઢી ગયો. તે સ્વપ્નાના ભોગ લેતાં તેના રોમ ઉલ્લસી ગયાં. એવામાં મેઘ મહારાજા ચઢી આવ્યા, વીજળીના ઝબકારા થવા લાગ્યા, સૂર્યદેવ વાદળાંથી ઢંકાઈ ગયો; સર્વત્ર અંધકાર પથરાઈ ગયો; મુશલધાર વરસાદ થશે એવું જણાયું અને એટલામાં ગાજવીજથી એક પ્રબળ કડાકો થયો. કડાકાના અવાજથી ભય પામીને તે પામર ભિખારી બિચારો જાગી ગયો.Page Navigation
1