Book Title: Vachanamrut 0017 029 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali View full book textPage 1
________________ શિક્ષાપાઠ 29. સર્વ જીવની રક્ષા-ભાગ 1 દયા જેવો એકે ધર્મ નથી. દયા એ જ ધર્મનું સ્વરૂપ છે. જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી. જગતિતળમાં એવા અનર્થકારક ધર્મમાં પડ્યા છે કે, જેઓ જીવને હણતાં લેશ પાપ થતું નથી, બહુ તો મનુષ્યદેહની રક્ષા કરો, એમ કહે છે; તેમ એ ધર્મમતવાળા ઝનૂની અને મદાંધ છે, અને દયાનું લેશ સ્વરૂપ પણ જાણતા નથી. એઓ જો પોતાનું હૃદયપટ પ્રકાશમાં મૂકીને વિચારે તો અવશય તેમને જણાશે કે એક સુક્ષ્મમાં સુક્ષ્મ જંતુને હણવામાં પણ મહાપાપ છે. જેવો મને મારો આત્મા પ્રિય છે તેવો તેને પણ તેનો આત્મા પ્રિય છે. હું મારા લેશ વ્યસન ખાતર કે લાભ ખાતર એવા અસંખ્યાતા જીવોને બેધડક હણું છું એ મને કેટલું બધું અનંત દુ:ખનું કારણ થઈ પડશે ? તેઓમાં બુદ્ધિનું બીજ પણ નહીં હોવાથી એવો વિચાર કરી શકતા નથી. પાપમાં ને પાપમાં નિશદિન મગ્ન છે. વેદ અને વૈષ્ણવાદિ પંથોમાં પણ સૂક્ષ્મ દયા સંબંધી કંઈ વિચાર જોવામાં આવતો નથી, તોપણ એઓ કેવળ દયાને નહીં સમજનાર કરતાં ઘણા ઉત્તમ છે. બાદર જીવોની રક્ષામાં એ ઠીક સમજ્યા છે, પરંતુ એ સઘળા કરતાં આપણે કેવા ભાગ્યશાળી કે જ્યાં એક પુષ્પપાંખડી દુભાય ત્યાં પાપ છે એ ખરું તત્ત્વ સમજ્યા અને યજ્ઞયાગાદિક હિંસાથી તો કેવળ વિરક્ત રહ્યા છીએ. બનતા પ્રયત્નથી જીવ બચાવીએ છીએ, છતાં ચાહીને જીવ હણવાની આપણી લેશ ઇચ્છા નથી. અનંતકાય અભક્ષ્યથી બહ કરી આપણે વિરક્ત જ છીએ. આ કાળે એ સઘળો પુણ્યપ્રતાપ સિદ્ધાર્થ ભૂપાળના પુત્ર મહાવીરના કહેલા પરમતત્વબોધના યોગબળથી વધ્યો છે. મનુષ્યો રિદ્ધિ પામે છે, સુંદર સ્ત્રી પામે છે, આજ્ઞાંકિત પુત્ર પામે છે, બહોળા કુટુંબપરિવાર પામે છે, માન પ્રતિષ્ઠા તેમ જ અધિકાર પામે છે, અને તે પામવાં કંઈ દુર્લભ નથી, પરંતુ ખરું ધર્મતત્વ કે તેની શ્રદ્ધા કે તેનો થોડો અંશ પણ પામવો મહા દુર્લભ છે. એ રિદ્ધિ ઇત્યાદિક અવિવેકથી પાપનું કારણ થઈ અનંત દુઃખમાં લઈ જાય છે, પરંતુ આ થોડી શ્રદ્ધાભાવના પણ ઉત્તમ પદવીએ પહોંચાડે છે. આમ દયાનું સત્પરિણામ છે. આપણે ધર્મતત્વયુક્ત કુળમાં જન્મ પામ્યા છીએ તો હવે જેમ બને તેમ વિમળ દયામય વર્તનમાં આવવું. વારંવાર લક્ષમાં રાખવું કે, સર્વ જીવની રક્ષા કરવી. બીજાને પણ એવો જ યુક્તિ પ્રયુક્તિથી બોધ આપવો. સર્વ જીવની રક્ષા કરવા માટે એક બોધદાયક ઉત્તમ યુક્તિ બુદ્ધિશાળી અભયકુમારે કરી હતી તે આવતા પાઠમાં હું કહું છું; એમ જ તત્વબોધને માટે યૌતિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મમતવાદીઓને શિક્ષા આપવાનો વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી !Page Navigation
1