Book Title: Vachanamrut 0017 014 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali

View full book text
Previous | Next

Page 1
________________ શિક્ષાપાઠ 14. જિનેશ્વરની ભક્તિ - ભાગ 2 જિજ્ઞાસુ- આર્ય સત્ય ! સિદ્ધસ્વરૂપ પામેલા તે જિનેશ્વરો તો સઘળા પૂજ્ય છે; ત્યારે નામથી ભક્તિ કરવાની કંઈ જરૂર છે ? સત્ય- હા, અવશ્ય છે. અનંત સિદ્ધસ્વરૂપને ધ્યાતાં જે શુદ્ધસ્વરૂપના વિચાર થાય તે તો કાર્ય પરંતુ એ જે જે વડે તે સ્વરૂપને પામ્યા તે કારણ કયું? એ વિચારતાં ઉગ્ર તપ, મહાન વૈરાગ્ય, અનંત દયા, મહાન ધ્યાન એ સઘળાંનું સ્મરણ થશે. એઓનાં અહં તીર્થંકરપદમાં જે નામથી તેઓ વિહાર કરતા હતા તે નામથી તેઓના પવિત્ર આચાર અને પવિત્ર ચરિત્રો અંતઃકરણમાં ઉદય પામશે, જે ઉદય પરિણામે મહા લાભદાયક છે. જેમ મહાવીરનું પવિત્ર નામ સ્મરણ કરવાથી તેઓ કોણ ? ક્યારે ? કેવા પ્રકારે સિદ્ધિ પામ્યા ? એ ચરિત્રોની સ્મૃતિ થશે; અને એથી આપણે વૈરાગ્ય, વિવેક ઇત્યાદિકનો ઉદય પામીએ. જિજ્ઞાસુ- પણ લોગસ્સમાં તો ચોવીશ જિનેશ્વરનાં નામ સૂચવન કર્યાં છે ? એનો હેતુ શો છે તે મને સમજાવો. સત્ય- આ કાળમાં આ ક્ષેત્રમાં જે ચોવીશ જિનેશ્વરો થયા એમનાં નામનું સ્મરણ, ચરિત્રોનું સ્મરણ કરવાથી શુદ્ધ તત્વનો લાભ થાય એ એનો હેતુ છે. વૈરાગીનું ચરિત્ર વૈરાગ્ય બોધે છે. અનંત ચોવીશીનાં અનંત નામ સિદ્ધ સ્વરૂપમાં સમગ્રે આવી જાય છે. વર્તમાનકાળના ચોવીશ તીર્થકરનાં નામ આ કાળે લેવાથી કાળની સ્થિતિનું બહુ સૂક્ષ્મ જ્ઞાન પણ સાંભરી આવે છે. જેમ એઓનાં નામ આ કાળમાં લેવાય છે, તેમ ચોવીશી ચોવીશીનાં નામ કાળ ફરતાં અને ચોવીશી ફરતાં લેવાતાં જાય છે. એટલે અમુક નામ લેવાં એમ કંઈ નિશ્ચય નથી; પરંતુ તેઓના ગુણ અને પુરુષાર્થસ્મૃતિ માટે વર્તતી ચોવીશીની સ્મૃતિ કરવી એમ તત્વ રહ્યું છે. તેઓનાં જન્મ, વિહાર, ઉપદેશ એ દ્વિ.. આ.. પાઠા-૧. ‘સિદ્ધ ભગવાનની.’ 2. “અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય, અને સ્વસ્વરૂપમય થયા.” 3. ‘તે ભગવાનનું સ્મરણ, ચિંતવન, ધ્યાન અને ભક્તિ એ પુરુષાર્થતા આપે છે.સઘળું નામનિક્ષેપે જાણી શકાય છે. એ વડે આપણો આત્મા પ્રકાશ પામે છે. સર્પ જેમ મોરલીના નાદથી જાગૃત થાય છે, તેમ આત્મા પોતાની સત્ય રિદ્ધિ સાંભળતાં મોહનિદ્રાથી જાગૃત થાય છે. જિજ્ઞાસુ- મને તમે જિનેશ્વરની ભક્તિ સંબંધી બહુ ઉત્તમ કારણ કહ્યું. આધુનિક કેળવણીથી જિનેશ્વરની ભક્તિ કંઈ ફળદાયક નથી એમ મને આસ્થા થઈ હતી તે નાશ પામી છે. જિનેશ્વર ભગવાનની અવશ્ય ભક્તિ કરવી જોઈએ એ હું માન્ય રાખું છું.

Loading...

Page Navigation
1