Book Title: Panch Kalyanak Puja Summary of Parshvanath Author(s): Dhirajlal D Mehta Publisher: JAINA Education Committee View full book textPage 1
________________ પાર્શ્વનાથ પ્રભુની પંચ કલ્યાણકની પૂજાનો સાર ૧. પાર્શ્વનાથ પ્રભુનો જીવ છેલ્લેથી ત્રીજા ભવમાં વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામકર્મ બાંધી દશમા દેવલોકમાં જઈને, ત્યાં વીશ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરી વારાણસી નગરીમાં , અશ્વસેન રાજાની વામા રાણીની કુક્ષિમાં તીર્થકર પણે જન્મ ધારણ કરે છે. ચૈત્ર વદી ૪ (રાજસ્થાની) (ગુજરાતી ફાગણ વદી ૪) ના દિવસે પ્રભુ દેવલોકથી ચ્યવીને કુક્ષિમાં આવે છે. ૨. પ્રભુ ગર્ભમાં આવે ત્યારે તેમની માતા ચૌદ સ્વપ્ન દેખે છે. ચૌદ સ્વપ્નો દેખીને તે રાજાને કહે છે. રાજા અર્થ કહે છે કે ઉત્તમ એવો પુત્રરત્ન જન્મશે. ગર્ભકાળ પૂર્ણ થતાં પોષ વદી ૧૦ (રાજસ્થાની) (ગુજરાતી માગસર વદ ૧૦) ના દિવસે શુભ ઘડીએ પ્રભુ જમ્યા. પ્રભુના જન્મકાલે પ્રથમ છપ્પન દિક્મારિકાઓ આવીને શારીરિક પવિત્રતાનું કામકાજ કરે છે ત્યારબાદ દેવદેવીઓના પરિવાર સાથે ઇંદ્ર મહારાજા આવે છે. પાંચ રૂપો કરી પરમાત્માને મેરુપર્વત ઉપર લઈ જાય છે અને ચારે નિકાયના દેવ-દેવીઓને આમંત્રણ આપીને જન્માભિષેક કરે છે. ૩. પ્રભુના જન્મ વખતે પશુ-પંખી પણ સુખીયાં થાય છે. સાતે નરકે અજવાળાં થાય છે. સર્વત્ર સુખની છાયા પ્રવર્તે છે. અમૃતપાનથી પ્રભુ મોટા થાય છે. સર્પના લાંછનવાળા અને સાત હાથની ઉંચાઈ વાળા પાર્શ્વકુમાર જ્યારે યુવાવસ્થામાં આવે છે ત્યારે પ્રભાવતી નામની રાજપુત્રીની સાથે વિવાહિત થાય છે. પાર્શ્વકુમાર પોતાના મહેલમાં રાણી પ્રભાવતીની સાથે ઝરૂખામાં ઉભા ઉભા રસ્તે જતા-આવતા માણસોના ટોળાઓને જુએ છે અને પુછે છે કે આ બધા લોકો ક્યાં જાય છે ! ઉત્તર મળે છે કે ગામના પાદરે કમઠ નામનો એક મહાતાપસ આવ્યો છે. તેનાં દર્શન-વંદન-પૂજન કરવા જાય છે. પ્રભુ પણ કૌતુક જોવા માટે ત્યાં જાય છે. ૪. કમઠ તાપસ પંચાગ્નિ તપ કરે છે. ચારે બાજુની આગમાં બળતા કાષ્ટોમાં બળી રહેલા સર્પને પાર્શ્વકુમાર અવધિજ્ઞાનથી જાણે છે. અને કમઠને કહે છે કે તું સુખ લેવા માટે ફોગટ આ તપ કરે છે. કમઠ કહે છે કે હે રાજા ! તમે ઘોડા ખેલાવી જાણો. તમને ધર્મની બાબતમાં શું સમજ પડે ? પ્રભુ કહે છે કે તારા એવા મોટા ગુરુ કોણ છે કે જેઓએ આવો ખોટો ધર્મ બતાવ્યો. કમઠ કહે છે કે અમારા ગુરુ તો અરણ્યવાસી છે. એક પૈસો પણ પાસે રાખતા નથી અને તપ કરે છે. પ્રભુ કહે છે કે પશુ-પક્ષીઓ પણ અરણ્યવાસી હોય છે અને ધનવિનાના હોય છે. તારા ગુરુ પણ તેમના જેવા જ હશે કે જેઓએ દયા સમજાવી નથી. આમ કહી સેવક પાસે બળતું કાષ્ટ ચિરાવી દાઝેલો સર્પ કાઢીને બતાવ્યો. સેવક પાસે તેને નવકાર સંભળાવ્યો. તે સર્પ મરીને ધરણેન્દ્ર દેવ થયો. કમઠ ઉપર લોકોએ તિરસ્કાર વરસાવ્યો. ક્રોધમાં તે મરીને મેઘમાલી દેવ થયો. ૫. એક વખત રાણીની સાથે વનમાં ફરતાં નેમ-રાજુલના ચિત્રને જોઈને વૈરાગ્ય પામીને પાર્શ્વકુમાર દીક્ષા લેવા ઉત્સાહિત થયા. લોકાંતિક નામના દેવોએ આવીને તેમને દીક્ષા લેવા વિનંતી કરી. પ્રભુએ વરસીદાન શરૂ કર્યું. ત્રીસ વરસની ઉંમરે પ્રભુ દીક્ષા લેવા નીકળ્યા. વિશાલા નામની શિબિકામાં બેઠા, આગળ-પાછળ-અનેક વડેરી સ્ત્રીઓ બેઠી. શક્રેન્દ્ર-દેવ-દેવીઓ, રાજાઅને અનેક મનુષ્યો સાથે ઘણાં વાજિત્રોના નાદ સાથે વાજતો-ગાજતો આ વરઘોડો, કાશીનગરના રાજમાર્ગો ઉપર થઈને આશ્રમપદ ઉદ્યાનમાં આવ્યો. પ્રભુએ પંચમુષ્ટિ લોન્ચ કરી દીક્ષા લીધી. ૬. ધનસાર્થવાહને ત્યાં પ્રભુએ પ્રથમ પારણું કર્યું. પછી કાદંબરી અટવીમાં આવ્યા. ત્યાં જંગલી હાથીએ સુંઢથી પ્રભુની પૂજા કરી તેથી કલિકુંડ તીર્થ ત્યાં થયું. ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવિ ત્યાં આવ્યાં અને અહિ તેમણે "છત્રા" નગરી ત્યાં બનાવી. ત્યાં કમઠનો જીવ જે મેઘમાલી દેવ થયો હતો તે વિલંગજ્ઞાનથી પ્રભુને ઓળખીને ત્યાં આવ્યો ઘણા ઉપસર્ગો કર્યા. ઘણું જળ વરસાવ્યું. પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું તે વખતે ધરણેન્દ્ર પ્રભુની રક્ષા કરી અને મેઘમાળી ત્યાંથી ભાગી ગયો.Page Navigation
1 2