Book Title: Jivan Nirvah mate Himsani Tartamtano Vichar Author(s): Nyayavijay Publisher: Nyayvijay View full book textPage 1
________________ જીવનનિર્વાહ માટે હિંસાની તરતમતાનો વિચાર જૈનદર્શન લેખક - ન્યાયવિશારદ, ન્યાયતીર્થ મુનિશ્રી ન્યાયવિજયજી તેરમી આવૃત્તિ - જાન્યુઆરી ૧૯૮૬ (૪) જીવનનિર્વાહ માટે હિંસાની તરતમતાનો વિચાર હિંસા વિના જીવન અશક્ય છે એ વાતનો સ્વીકાર કર્યો જ છૂટકો છે, પરંતુ તે સાથે, ઓછામાં ઓછી હિંસાથી શ્રેષ્ઠ રીતે જીવવું એ જીવનનો નિયમ અથવા કાયદો મનુષ્ય પાળવાનો છે. પણ ઓછામાં ઓછી હિંસા કોને કહેવી એ પ્રશ્ન ઘણાને ઊઠે છે. કોઈ મતવાળા એવું માનતા હોય છે કે મોટા સ્થૂલકાય પ્રાણીનો નાશ કરવાથી ઘણા માણસોનો ઘણા દિવસ સુધી નિર્વાહ થાય છે, જ્યારે વનસ્પતિમાં રહેલા ઘણા જીવોને માર્યા છતાં એક માણસનો એક દિવસ માટે પણ પૂરતો નિર્વાહ થઈ શકતો નથી, માટે ઘણા જીવોને મારવા કરતાં એક મોટા પ્રાણીને મારવો એમાં ઓછી હિંસા છે. આવા મતવાળા માણસો જીવોની સંખ્યાના નાશ ઉપરથી હિંસાની તરતમતાનો આંકડો લગાવે છે, પણ આ વાત બરાબર નથી. જૈન દૃષ્ટિ જીવોની સંખ્યા ઉપરથી નહિ, પણ હિંસ્ય જીવના ચૈતન્ય-વિકાસ ઉપરથી હિંસાની તરતમતા ઠરાવે છે. ઓછા વિકાસવાળા ઘણા જીવોની હિંસા કરતાં વધુ વિકાસવાળા એક જીવની હિંસામાં વધુ દોષ રહેલો છે એમ જૈન ધર્મનું મન્તવ્ય છે. અને એટલા જ માટે એ વનસ્પતિકાયને ખોરાક માટે યોગ્ય ગણે છે. કેમકે વનસ્પતિ-જીવો ઓછામાં ઓછી ઇન્દ્રિયવાળા, એટલે કે એક જ ઇન્દ્રિયવાળા ગણાય છે. અને એનાથી આગળના ઉત્તરોત્તર વધુ ઇન્દ્રિયવાળા જીવોને ખોરાક તરીકે એ નિષિદ્ધ ઠરાવે છે. એ જ કારણ છે કે પાણીમાં જલકાય જીવો ઘણા હોવા છતાં તેમની-એટલા બધા જીવોની-વિરાધના (હિંસા) કરીને પણ હિંસા થવા છતાંયે એક તરસ્યા માણસને કે પશુને પાણી પાવામાં અનુકમ્મા છે, દયા છે, પુણ્ય છે, ધર્મ છે એમ સહુ કોઈ કબૂલ રાખે છે કે કેમકે જલકાયજીવરાશિ એક માણસ કે પશુની અપેક્ષાએ બહુ અલ્પ ચૈતન્યવિકાસવાળી છે. આ ઉપરથી જણાશે કે મનુષ્યસૃષ્ટિના ભોગે તિર્યંચ સૃષ્ટિના જીવો બચાવવા એ જૈન ધર્મને સમત નથી.Page Navigation
1 2