Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Virmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૪૦૮ ]
શ્રી ઠાણાગ સૂત્ર-૨
બકરાને સભામાં લઈને આવ્યો. બકરાએ સભામાં લીંડીઓ જ મૂકી ત્યારે અભયકુમારે તેમ થવાનું કારણ પૂછ્યું. મેતાર્યે કહ્યું તે દેવ પ્રભાવથી રત્નની લીંડીઓ આપે છે.
મેતાર્યને દૈવી સહાય છે તેની પરીક્ષા કરવા અભયકુમારે તેને વૈભારગિરિ ઉપર રથમાર્ગ નિર્માણ કરવાનું કહ્યું અને તત્કાલ દેવ સહાયથી તે કાર્ય મેતાર્યો પૂર્ણ કર્યું.
અભયકુમારે રાજગૃહીના કિલ્લાને સુવર્ણનો બનાવવા કહ્યું અને દેવ સહાયથી મેતાર્યે કિલ્લાને સોનાનો બનાવી દીધો.
હવે અભયકુમારે કહ્યું કે એક સમુદ્રને તમે અહીં લાવી, તેમાં સ્નાન કરી શુદ્ધ થઈ જાઓ, તો રાજકન્યા સાથે તમારા લગ્ન કરાવશું. દેવપ્રભાવથી મેતાર્ય તેમાં સફળ થયો અને રાજકુમારી સાથે તેના લગ્ન થયા. મેતાર્યના રાજકન્યા સાથેના લગ્નની વાત નગરમાં ફેલાઇ ગઇ. આઠ કન્યાઓના પિતાએ આ વાત સાંભળી તો તેઓએ પુનઃ પોતાની કન્યાઓને સ્વીકારવા મેતાર્ય પાસે પ્રસ્તાવ મૂકયો. મેતાર્યો તે આઠે કન્યાઓ સાથે લગ્ન કર્યા. બાર વર્ષ વ્યતીત થતાં દેવમિત્રે આવી પ્રવ્રજ્યા લેવા પ્રેરણા કરી. આ સમયે મેતાર્યની પત્નીઓએ બીજા બાર વર્ષ પતિના સહવાસ માટે પ્રાર્થના કરી અને દેવે તેમની વાતનો સ્વીકાર કર્યો. ૧૨ વર્ષ વ્યતીત થતાં દેવ પ્રેરણાથી પત્નીઓ સહિત મેતાર્ય પ્રવ્રજિત થયો. (૧૦) વત્સલાનુબંધિકા – પુત્રના કારણે જે દીક્ષા લેવાય છે. સુનંદાએ પુત્ર સ્નેહના કારણે દીક્ષા લીધી હતી.
સુનંદા :- અવંતી નામના દેશના તુંબવન નગરમાં શ્રેષ્ઠીપુત્ર ધનગિરિ અને તેની પત્ની સુનંદા રહેતાં હતાં. સુનંદા ગર્ભવતી હતી ત્યારે ધનગિરિએ આચાર્ય સિંહગિરિ પાસે દીક્ષા ગ્રહણ કરી. નવ માસ પૂર્ણ થતાં સુનંદાએ પુત્રને જન્મ આપ્યો. બાળકનું મોઢું જોવા આવતી સ્ત્રીઓમાંથી કોઈ બોલ્યું કે આ બાળકના પિતાએ દીક્ષા ન લીધી હોત તો કેટલું સારું થાત. નવજાત બાળકે આ વાક્ય સાંભળ્યું અને તે વાક્યનું તેને વારંવાર સ્મરણ થવા લાગ્યું. તેમ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન (પૂર્વભવોનું જ્ઞાન) ઉત્પન્ન થયું. પૂર્વભવને જોતાં માતાની મમતાથી મુક્ત થવા તેણે રોવાનું શરૂ કર્યું. રાત-દિવસ તે રડતો જ રહ્યો, તેમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. માતા પણ બાળકના રુદનથી થાકી ગઈ અને કંટાળી ગઈ. તે સમયમાં આચાર્યની સાથે ધનગિરિમુનિ તે નગરમાં પધાર્યા. ભિક્ષા લેવા સુનંદાને ઘેર પધાર્યા. સુનંદાએ કહ્યું તમે આ બાળકને લઈ જાઓ. અત્યાર સુધી મેં બાળકની રક્ષા કરી છે હવે તમે રક્ષા કરો. મુનિએ કહ્યું– તમે વિચારીને મને બાળક આપજો પાછળથી તમારે પશ્ચાત્તાપ કરવો ન પડે. સુનંદાએ કહ્યું- હું બાળકથી કંટાળી ગઈ છું. હવે તમે લઈ જાઓ. મુનિએ પોતાની ઝોળીમાં છ મહિનાના બાળકને લઇ લીધું અને બાળકે રોવાનું બંધ કરી દીધું.
મુનિ ધનગિરિ ઉપાશ્રયમાં આવ્યા. ઝોળી વજનદાર લાગતા આચાર્યો ઝોળી લેવા હાથ લાંબો કર્યો. ધનગિરિએ આચાર્યશ્રીના હાથમાં ઝોળી આપી દીધી. ઝોળી વજતુલ્ય ભારે લાગી અને અંદર દેવકુમાર સદશ બાળકને જોઈ આચાર્યે કહ્યું, આર્યો ! આ બાળકની રક્ષા કરો. આ બાળક પ્રવચન પ્રભાવક થશે.