________________
[૧૨૫] ઘણા દેવો અને દેવીઓ નીચે આવતાં હોવાથી અને ઉપર જતાં હોવાથી ભારે કોલાહલ અને ભારે ઘોંઘાટ થયો હતો.
[૧૨૬] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાત્રે તેમના પટ્ટશિષ્ય ગૌતમગોત્રના ઈન્દ્રભૂતિ અનગારનું ભગવાન મહાવીરને લગતું પ્રેમબંધન વિછિન્ન થઈ ગયું. અને ઈન્દ્રભૂતિ અનગારને અંત વગરનું, ઉત્તમોઉત્તમ એવું કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થયું.
[૧૨૭] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા તે રાત્રે કાશી દેશના મલકીવંશના નવ અને કોશલ દેશના લિચ્છવી વંશના બીજા નવ ગણ એ રીતે અઢારે ગણ રાજાઓ અમાવાસ્યાને દિવસે આઠ પહોરનો પૌષધ ઉપવાસ કરીને ત્યાં રહ્યા હતા. તેઓએ એમ વિચારેલું કે તે ભાવઉદ્યોત એટલે જ્ઞાનરૂપ પ્રકાશ ચાલ્યો ગયો એટલે હવે અમે દ્રવ્યઉદ્યોત એટલે દીવાનો પ્રકાશ કરીશું.
[૧૨૮] જે રાત્રે શ્રમણ ભગવાન મહાવીર કાળધર્મને પામ્યા, તે રાત્રે ભગવાન મહાવીરના જન્મનક્ષત્ર ઉપર મુદ્રા ક્રૂર સ્વભાવનો ૨૦૦૦ વર્ષ સુધી રહેનારો એવો ભસ્મરાશિ નામનો મહાગ્રહ આવ્યો હતો.