________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આથી ઊલટું સંતસંમત સાધનામાં આચારધર્મ કરતાં માનવધર્મને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. બાહ્યાચારની એમા નિંદા કરવામાં આવે છે. અપરોક્ષાનુભૂતિ વિનાના શુષ્ક શાસ્ત્રજ્ઞાનને એમાં કશું મહત્ત્વ નથી. માનવ માનવ વચ્ચેના ભેદને એમાં માન્ય રાખવામાં આવ્યા નથી. સંતો પૈકીના ઘણા ખરા નિરક્ષર કે નીચી ગણાતી જાતિના જોવામાં આવે છે. આથી જડ બની ગયેલી વર્ણ-વ્યવસ્થાને આ માર્ગના કવિઓએ હંમેશા પડકારી છે. સહજ અને સરળ સાધનાને જ એમણે સદા આવકારી છે. અખાનું એ જ મતલબનું કથન ઃ હવે મારે સઘળે સુખરાસ, એ સુખ મારગ મેલીને સઠ, કાયક્લેશ કરે કાં હઠ.
એમાં દેહને અવગણ્યો નથી, એથી ઊલટું સાધનામાં એનું ઉચિત ગૌરવ કરવામાં આવ્યું છે. સંપ્રદાય કે પંથની અટપટી જટાજાળનો એમાં હંમેશા વિરોધ કરવામાં આવ્યો છે. આ સાધનામાર્ગ આમ સહજ ને સરળ છતાં મરજીવિયાને માટેનો જ છે એવું ફરી ફરી કહેવાયું છે. આ પરંપરાના સાધકોએ વાણીથી અતીત એવા સ્વસંવેદ્ય અનુભવના તત્ત્વને અવળવાણી (Language of Paradox) દ્વારા વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાધનાના અંગ તરીકે એમાં યોગની પ્રક્રિયાનો સ્વીકાર કરવામાં આવ્યો છે, છતાં એ યોગની સિદ્ધિના પ્રલોભનમાં અંતિમ લક્ષ્ય ન ચૂકી જવાય તેની ફરી ફરીને ચેતવણી આપવામાં આવી છે. અખો કહે છે કે :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉન્મત મનને યોગ સાધવો, જે કર્મઓધ કરે નહિ, યમ છૂટી ધેનુ મારતી ફરે, તેને અંધારે બાંધ્યે ટેવ ન વીસરે,
અખા તે જાણે કર્યો ઉપાય, ત્યાં સિદ્ધિ રૂપિણી લાગી બગાઈ.
એમાં નિરંજન નિર્ગુણ એવા પરમતત્ત્વ સાથે અભેદાનુભૂતિ સિદ્ધ કરવાને માટેની સાધના પર સદા ભાર મૂકવામાં આવ્યો છે. તેમ છતાં સગુણની ઉપાસનાનો કે ભક્તિનો આત્યન્તિક નિષેધ પણ નથી. બ્રહ્મમાં ભળી જવાની સાધના હોવાં છતાં એ અપ૨ોક્ષાનુભૂતિ-ગોચર હોવાને કારણે રસોદ્રેકનો પણ આ સાધનાપ્રણાલીના સાહિત્યમાં અભાવ દેખાતો નથી. ઘણા કવિઓ અને સંતોએ એમની અભેદાનુભૂતિને આપણામાં પણ કૃતાર્થતાના રોમાંચ ખડા કરી દે એવી કાવ્યમય બાનીમાં ગાઈ છે. આ સાધનાપ્રણાલીનાં આટલાં મુખ્ય લક્ષણો કહી શકાય. હવે આ બધાં લક્ષણો કાળક્રમે કેવી રીતે વિકસતાં આવ્યાં, એમાં નવાં તત્ત્વો ભળતાં કેવાં રૂપાંતરો થતાં આવ્યાં તે વિગતે
તપાસીએ.
૭૮
બૃહત્ તત્ત્વ સાથેના અનુસંધાન માટેની અદમ્ય ઇચ્છા આદિકાળથી માનવ અનુભવતો આવ્યો છે. એ તત્ત્વને એણે જુદે જુદે રૂપે વર્ણવ્યું છે. બંગાળના બાઉલો પોતાની સાધના પ્રણાલીને ‘અનાદિસાધના' તરીકે ઓળખાવે છે. ને એ વેદથી પણ જૂની છે એમ કહે છે. ‘અમારી ભાવવધારા જ સહજ અને અકૃત્રિમ છે. એથી સનાતન બીજું કશું નથી. એમાં બાહ્ય પૂજા અર્ચનાની પછી જરૂર રહે નહીં. મૂર્તિ, પ્રતિમા, દેવાલય, શાસ્ત્રવિધિ વગેરે કૃત્રિમતાના દાસત્વનો અંત આવે.” “બહારના વેદને વિદાય કર્યા પછી જ અંતરનો વેદ ઉભાસિત થઈ ઊઠે. જે આ અન્તરવેદને માને તેને પછી કોઈ શાસ્ત્રનું પ્રયોજન રહે નહી. પૂજા, રોજા, નિયમ, નમાજ બધું ભૂંસાઈ જાય. જાતિ, વર્ણ વગેરેની ભેદ-બુદ્ધિનો અંત આવે એનું જ નામ કાયાગત સહજવેદ.” એમની આ સાધનાને આપણે વેદથી પણ જૂની કે અનાદિ ભલે ન લેખીએ, માનવની આ બૃહત્ તત્ત્વ સાથેની અનુસંધિત્સા તો સનાતન છે, ને ઉપલબ્ધ જૂનામાં જૂના સાહિત્યમાંથી એનો અણસારો આપણને મળી જ રહે છે.
અખાના સાહિત્યમાં સૂફી સાધના માર્ગના અનેક નિર્દેશ મળે છે. અખો પોતે છેક જઈને બેઠેલો સૂફી સંત છે. તેમના ઝૂલણામાં પોતાનો આત્માનુભાવ કેવા પ્રકારનો છે. તેના ચમકારા ઠેર ઠેર નજરે પડે છે. વળી, તેમના ઝૂલણાનું લખાણ સ્વાનુભાવ પ્રેરિત અને આત્મલક્ષી હોવાથી તેમનો સાધનામાર્ગ બહુ જ સ્પષ્ટ રીતે સમજાય છે. અખો કહે છે કે “અહં નું નાહં થાય તો સોહં થાય-શયની જગ્યાએ સાંઈ થાય-નૈન થાય અને ચેન આવે.” વળી સૂફી ઇશ્ક દ્વારા થયેલો આત્માનુભાવ અદ્વિતીય હોય છે. અને તે અનુભવને વાણીમાં મૂકી શકાતો નથી. આત્માનુભાવ
સામીપ્ય : પુ. ૨૪, અંક ૧-૨, એપ્રિલ – સપ્ટે., ૨૦૦૭
For Private and Personal Use Only