________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ભૂમિનીતકલાના સ્વરૂપોના ઉદ્દભવ અને વિકાસની વાત સંશોધનની નજરે અહીં છે. પૂર્વપીઠિકા રૂપે આ બે સ્વરૂપને કેન્દ્રમાં રાખી આ સ્વરૂપના મૂળ સુધી સમીક્ષક પહોંચ્યા છે. એમાં એમણે ભાષાસ્વરૂપ-રાસયુગનો સવિસ્તર ચિતાર આપી આ સંશોધન થિયેટરના વિકાસમાં કઈ રીતે ઉપયોગી થાય એવો પ્રશ્ન જગવી પ્રાધ્યાત્મક અને વિદ્યાર્થી ઉપયોગી કેટલાંક વેધક સૂચનો કર્યા છે. આ બંને સ્વરૂપ નટ કે નટીના સ્નાયુઓને ગતિશીલ રાખે છે. કમનીય દેહયષ્ટિના ઘડતર માટે, વસ્ત્ર પરિધાનની કલાના વિકાસમાં આ બંને સ્વરૂપો અનેક રીતે ખાનાં છે. લયયુક્ત અને લાલિત્યપૂર્ણ ચાલ વગેરેના ઘડતર પરિબળ માટે પણ આનો અભ્યાસ-ઉપયોગ એક વિશિષ્ટ કલા બની રહે છે. એમાં આવતા અંગ મરોડના સંસ્કાર થિયેટર માટે ખપના છે. આ બધું પરફોર્મિંગ આર્ટનું જ સ્વરૂપ છે; જે નટને સર્જક થવામાં મદદરૂપ બને છે.
- ઓગણીસમી શતાબ્દીના પ્રથમ ત્રણ દાયકામાં નાટ્ય ક્ષેત્રે એક વિરલ પ્રતિભાનો ઉદય થયો. આ વિરલ પ્રતિભા તે નટ અને સમર્થ દિગ્દર્શક બાપુલાલ નાયક. પોતાના જમાનાના આ અભિનય શિલ્પીની બહુ આયામી પ્રતિભા અને અપર્વ સિદ્ધિનાં દર્શન શ્રી કડકિયાએ આદરપૂર્વક અહીં કરાવ્યાં છે.. બાપુલાલ ધીરાદાત્ત, ધીરલલિત, ધીરગંભીર, ધીરવીર, ધીરપ્રશાંત નટ હતા. નટ તરીકે તેમણે પોતાની પ્રતિભાને બીબાંઢાળ સ્વરૂપમાં ઢળવા દીધી નથી અને તેઓ કોઈ એક ચોક્કસ ઇમેજમાં પૂરાયા નથી એ વાતને સમીક્ષકે બરોબર પકડી છે. ભૂમિકાનું વૈવિધ્ય અને અભિનયનું વૈવિધ્ય એટલે બાપુલાલ. વિશ્વના મહાન કક્ષાના આ નટ અભિનયની પરંપરિત શૈલીમાં પણ ઊંડી સૂઝ ધરાવનાર દિગ્દર્શક અને નાટ્યકાર પણ હતા. એ સમયનું ચિત્ર બાપુલાલ નાયકના ચરિત્રકાર સુરેશ નાયકે સભર પણે ઉપસાવ્યું છે. જેનું યથાર્થ પૃથક્કરણ શ્રીમાન કડકિયાએ નીરક્ષીર ન્યાયે કર્યું છે.
ભવાઈ” એમનો અંતરંગ છે. પૂર્વ જન્મના જાણે રંગ પરિવ્રાજક હોય એમ ભવાઈનું આભિનીત્ય જ્યારે તેઓ સાંગોપાંગપણે અવલોકે છે ત્યારે માત્ર તેઓ લોકધર્મી કે નાટ્યધર્મી ફરજ બજાવે છે એટલું જ નહીં પણ પરકાયા પ્રવેશ કરે છે. એમની નજર એક અભિનેતાની છે. પ્રેક્ષકની છે. વિવેચકની છે. એટલે ભવાઈનું સંમોહન એમને લખતાં લખતાં ત્રીજા નેત્રની પ્રસાદી જેવું લાગે ! સતી જસમાના વેશને એમણે સૂચિત વેશ તરીકે સ્વીકાર્યો છે. નિજી સિદ્ધિ જેવી વિકસેલી આ કલાનો મર્મ એમણે બરોબર પ્રીક્યો છે. એટલે ભવાઈના પૂર્વરંગ, નર્તન, સંગીત, કેરબો અને મૂક અભિનયને - એના કસબને રસની પ્રક્રિયાના અનુભવથી અનુભૂતિ કક્ષાએ લઈ જાય છે. ભવાઈકલાની સાર્થકતા નિત્યનૂતન, નિત્ય વર્ધમાન, સ્વકીયતાના માર્ગે રચાતી રહે તેમાં છે. ભવાઈ કલાની આવી મૂલગામી ચર્ચા ભવાઈમાં રહેલા અમૃતતત્ત્વનો આપણને આસ્વાદ કરાવે છે. આ દિશામાં બહુવિધ પ્રત્યક્ષ અનુભવને કારણે વિકસેલ સૂક્ષ્મ દૃષ્ટિ સમીક્ષકની પૂર્ણ સમજનો પરિપાક છે.
થોડાં આંસુઃ થોડાં ફૂલ' સુંદરીની આત્મકથા છે. ડૉ. કડકિયા આ કથામાં સુંદરીનાં વિવિધ પાસાંઓની છાપ ઉપસાવી આપણને અખિલાઈનો અનુભવ કરાવે છે. એમની વિવેચક પદ્ધતિ સમુદાર, સમભાવી અને મર્મસ્પર્શી છે. એમણે આ લેખ તૈયાર કરતાં એક નટના વિકાસની મનોવૈજ્ઞાનિક ભૂમિકાને બરોબર સમજી લીધી છે. તેઓ રસકીય અનુભવોની મીમાંસા કરતાં સુંદરીના નટ અને દિગ્દર્શક તરીકેના સર્જક અનુભવોને કેન્દ્રમાં રાખી મૂલગામી ચર્ચા કરે છે. સુંદરીના નટજીવનની સાધનામાં એમની કલાસૂઝ, વિશાળ વાચન, સતત વિકાસ પામવાની જાગ્રત મનોદશા, ઉત્તમ સંગત, અવલોકન, પ્રાણવાન અને મૌલિક દિગ્દર્શન કલા સુંદરીના જીવનને આધુનિક નટો માટે કેવું પ્રેરણાદાઈ હતું એની સદૃષ્ટાંત ચર્ચા કરી છે. ડૉ. કડકિયાએ સુંદરીના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ જીવનકાર્યને ચર્ચતાં ચર્ચતાં રંગભૂમિનો દસ્તાવેજી ઇતિહાસ-આ લેખ ઊભો કરી આપ્યો છે.
સમગ્રપણે ડૉ. કડકિયાને પરંપરા પ્રત્યે સમભાવ છે. આધુનિકતાનો અભ્યાસ છે. સંવેદના સાથે શ્રદ્ધા પણ છે. એટલે તેઓ જે તે વિષયની તસવીર ઉપસાવે છે. શુષ્ક શાસ્ત્રીયતા, લુખા ગ્રંથ પરિશ્રમ, નીરસ વ્યક્તિ મતદર્શનને સ્થાને તેઓ સંગીત અભ્યાસ દ્વારા નવપ્રસ્થાન કરાવે છે. એમનું વિવેચન મહદઅંશે નીડર છતાં ગુણગ્રાહી છે. એમની નાટ્યપ્રીતિ સ્વાદનિષ્ઠાનો અનુભવ કરાવે છે એ માટે તેઓ હાર્દિક અભિનંદનને પાત્ર છે.
દિનકર ભોજક
સ્ટેશન રોડ, માયા બજાર, વિસનગર ૭૨]
[સામીપ્ય : ઑકટોબર, ૨૦૦-માર્ચ, ૨૦૦૧
For Private and Personal Use Only