________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સયાજીરાવ (ત્રીજા) ગાયકવાડના વડોદરા રાજ્યનો “બાળલગ્ન પ્રતિબંધનો કાયદો' – એક અભ્યાસ
ડૉ. નરેશકુમાર જે. પરીખ* વેદકાલીન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન મોભાવાળું હતું. સ્ત્રીઓ પતિની અર્ધાગિની ગણાતી. ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકતી હતી. પરંતુ “મનુસ્મૃતિ'ના અભ્યાસ પરથી જાણી શકાય છે કે સ્ત્રીઓના સ્વાતંત્ર્ય ઉપર ધીમે ધીમે અંકુશો આવતા ગયા. બ્રિટિશ સત્તાની સ્થાપના પૂર્વે ભારતની સ્ત્રીઓની સ્થિતિ દયાજનક હતી. નીરા દેસાઈ નોંધે છે તે મુજબ “બ્રિટિશ આગમન પૂર્વે ભારતમાં સ્ત્રીને કાં તો દેવી તરીકે કાં તો ગુલામ તરીકે જોવામાં આવતી હતી. પરંતુ ક્યારેય સ્ત્રી પાસે એક માનવ તરીકે એનું આગવું વ્યક્તિત્વ છે એવો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો.'
ગુજરાતના અગ્રણી સમાજસુધારક કરસનદાસ મૂળજીએ ઈ.સ. ૧૮૫૮માં નીચેનાં લખાણોમાં સ્ત્રીઓ પરત્વેનો સામાન્ય સામાજિક અભિગમ કેવો હતો તેનું નિરૂપણ કર્યું છે.
‘પુરુષ અને સ્ત્રી બન્ને મનુષ્ય છે અને મનુષ્યના સર્વવાજબી અને જરૂરના હક્કો જે રીતે પુરુષ સર્વ હક્કો મેળવવાને અને ભોગવવાને લાયક છે તે રીતે સ્ત્રી પણ લાયક છે. માનવીપણાનો જે હક્ક પુરુષ ભોગવે છે તે હક્ક જો અબળા સ્ત્રીને ભોગવવાની છૂટ પુરુષ આપે નહીં તો તેણે માનવીપણાના ઉચ્ચ દરજ્જાને તોડી પાડ્યો અને હલકો કરી નાખ્યો છે એમ કહી શકાય. એમ છતાં પણ સ્ત્રીઓને માનવીપણાના વ્યાજબી અને આવશ્યક હક્ક આપવા બાબતે જયારે ભલામણ કરવામાં આવે છે. ઘણાખરા દેશીઓને તે ગેરવ્યાજબી અને અણઘટતું લાગે છે. તેનું કારણ શું? તેનું કારણ એ જ કે તેઓ કાળની ગતિથી કેટલાક બનાવોના સંયોગથી સ્ત્રીઓનું માનવીપણું ભૂલી ગયા છે અને માનવીપણાના વાજબી હક્ક તેઓએ તેમની પાસેથી છીનવી લીધા છે. તેઓ સ્ત્રીઓને પોતાની દાસી તરીકે ગણવાનું શીખ્યા છે અને તેઓને જગતમાં વૈતરું કરવાને પેદા કરી હોય એમ સમજવા લાગ્યા છે.
ભારતીય સમાજમાં બાળક જન્મે ત્યારે “પથરો જભ્યો’ એમ કહેવાતું. રાજપૂત સમાજમાં તો બાળકી જન્મે કે તરત જ “દૂધપીતી કરી દેવામાં આવતી હતી. બહુપત્નીત્વ અને દેવદાસી પ્રથાએ સ્ત્રીના જીવનની કરુણતા વધારી હતી. ‘છોકરી ભણે તો વિધવા થાય' એવી અંધશ્રદ્ધા પ્રવર્તતી હતી. ઓગણીસમી સદીના સમાજની સ્ત્રીઓ તો પગમાં પગરખાં પહેરી શકતી નહીં અને છત્રી પણ ઓઢી શકતી નહીં. વિધવાની સ્થિતિ તો ઘણી જ દયાજનક હતી. વિધવાને માથાના વાળ કઢાવી નાખવા પડતા હતા. સૌભાગ્યનાં સર્વ આભૂષણો ખૂંખવી લેવામાં આવતાં હતાં. જો કે આ જ સદીમાં (૧૯મી સદી) સામાજિક-ધાર્મિક અનિષ્ટો સામે ગુજરાતના તે સમયના સમાજસુધારકોએ બાથ ભીડી હતી. શ્રી દુર્ગાશંકર મહેતા, કવિ નર્મદાશંકર, શ્રી મહિપતરામ રૂપરામ, શ્રી નવલરામ લક્ષ્મીરામ, કવિ દલપતરામ, શ્રી હરગોવિંદદાસ કા. કાટાવાલા, શ્રી કરસનદાસ મૂળજી, શ્રી ગોવર્ધનરામ તિપાઠી જેવા પ્રથમ પંક્તિના સુધારકોએ સમાજમાં વ્યાપેલા કુરિવાજો સામે પ્રહારો કરી સમાજની પુનઃરચનાર્થે ઝુંબેશ શરૂ કરી.
ઉપરોક્ત સુધારકો થોડાઘણાં સફળ રહ્યા પરંતુ સંદેશાવ્યવહાર અને વાહનવ્યવહાર જેવાં ક્રાંતિકારી સાધનોનો સંપૂર્ણ ફેલાવો થયો ન હોવાથી તેઓ સમાજને સંપૂર્ણ સુધારી શક્યા ન હતા.
* સાયન્સ એન્ડ આર્ટ્સ કૉલેજ, કડી (ઉ.ગુ.)
પથિક : જાન્યુઆરી – જૂન, ૨૦૦૫ [ ૧૨૦
For Private and Personal Use Only