________________
કોઈ બીમાર વ્યક્તિ ઇલાજ કરાવવા દવાખાને જાય તો આપણે તેને પલાયનવાદી નથી કહેતા, એમ નથી કહેતા કે બીમારીથી કેમ ભાગો છો ?'..... ઇલાજ માટે જતા માણસને ભાગેડુ નથી કહેતા અને મહાવીરને પલાયનવાદી કહીએ છીએ!! ' આમ કહેવા પાછળનું કારણ એ છે કે જો મહાવીરને પલાયનવાદી ન કહીએ તો આપણે પલાયનવાદી ઠરીએ અને તો પછી આપણે ખૂબ પુરુષાર્થ કરવો પડે. એના કરતાં તેમને જ પલાયનવાદી કહી દઈએ તો આપણે જે કરીએ છીએ તે બરાબર છે એમ સિદ્ધ થઈ જાય અને તેથી નિશ્ચિત રહેવાય, પુરુષાર્થ કરવો ન પડે.
વર્ધમાનનો ગૃહત્યાગ જેમને પલાયનરૂપ ન લાગ્યો, તેમણે વર્ધમાનને ‘મહાવીર' નામ આપ્યું. તેઓ પોતાની કમજોરી - નબળાઈ જાણતાં હતા તેથી તેમણે “ફરજ'ના નામે મોહનું સમર્થન કરવાને બદલે, જેમણે રાગાદિનો છેડો ફાડી પરાક્રમ ફોરવ્યું એમને માનથી ‘મહાવીર' કહીને સંબોધ્યા. વર્ધમાને જ્યાં સાહસ ફોરવ્યું ત્યાં તેઓ નિર્બળતાવશ પાછા ફર્યા. પણ આ ભાન હોવાથી વર્ધમાનને મહાવીર કહ્યા. પલાયનવાદી નહીં, પરાક્રમી કહ્યા; ભાગેડુ નહીં, ભડવીર કહ્યા.
પ્રશ્ન થાય કે જે પ્રાપ્ત કરવાનું છે તે અંતરમાંથી પ્રાપ્ત કરવાનું છે, તો પછી ગૃહત્યાગ કરી બહાર ભટકવાથી શું લાભ? વર્ધમાન સ્વામીએ કેમ ગૃહવાસને ત્યાગી મુનિચર્યા ગ્રહણ કરી? શું ઘરમાં રહીને સાધના ન થાય? જે ‘બહાર' કર્યું તે શું ઘર’માં જ સંભવ નહોતું? ના, ઘર જ સંભવ નહોતું. ઘરમાં રહીને સાધનાની અસંભાવના હતી એમ નહીં, ઘર જ તેમને માટે એક અસંભાવના હતી. આપણને મારાપણાનો ભાવ રહે છે. મહાવીર માટે મારા-તારાનો ભેદ રહ્યો જ ન હતો. ‘ઘરમાંથી નીકળતાં મારાપણાનો ભાવ જ રોકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને ખબર પડી જાય કે અહીં કંઈ જ મારું નથી, તો પછી તેને માટે
ક્યું ઘર એવું રહેશે કે જે પોતાનું છે અને ક્યું ઘર એવું રહેશે કે જે પોતાનું નથી? આપણે ઘરમાં પોતાપણું કરીને બેઠા છીએ, ઘરને પકડીને બેઠા છીએ તેથી ‘મહાવીરે' ઘર છોડ્યું એમ દેખાય છે. વાસ્તવમાં જાગૃતિ આવતાં જ દીવાલોમાં “ઘર” અથવા મારાપણાની પકડ છૂટી ગઈ. મુખ્યપણે આ વાતને જ સમજવાની જરૂર છે.
મહાવીરે ઘર છોડ્યું કે ઘર મટી ગયું ? પરમ જાગરણની સાથે જ તેમના માટે કંઈ જ પોતાનું કે પરાયું એવું ન રહ્યું. જો આ દૃષ્ટિથી જોવામાં આવે તો મહાવીરને સમજવામાં ફરક પડી જશે. સમજાશે કે જાગૃત થતાં અર્થાત્ વિરાટતાનાં દર્શન થતાં જ તેઓ કહેશે કે બધા મારા છે અથવા કોઈ પણ મારું નથી. - આ બે ભાષાઓ રહી જશે. જો તેઓ વિધેયાત્મકરૂપે બોલશે તો કહેશે કે બધા મારા છે, સમસ્ત જીવરાશિ મારો પરિવાર છે. અને જો તેઓ નિષેધાત્મક રીતે બોલશે તો કહેશે કે કોઈ મારું નથી, મારો કોઈ પરિવાર નથી. હું એક અસંગ આત્મા છું..... અને આ બન્ને વાત મૂલતઃ એક જ છે. આ બન્ને ભાષા એક જ અર્થ પ્રગટ કરે છે. જ્યાં મારાપણાનો ભાવ મટી જાય છે ત્યાં બધા એક બની જાય છે - કાં તો બધા પોતાના કાં તો કોઈ પોતાનું નહીં! - જેઓ મોહવશ ચાર દીવાલને ‘ઘર' માને છે, તેમને લાગે છે કે “મહાવીરે ઘર છોડ્યું પરંતુ જેમના માટે એ દીવાલનો છેદ થયો છે તેમને એવું લાગતું નથી. તેમને મન તો જે હવા અહીં હતી, તે જ હવા ત્યાં ગઈ. ન કશું છૂટું, ન કશું ગ્રહણ થયું ! મહાવીરે ઘર છોડ્યું ન હતું, તેમનાં માટે ઘર તૂટી ગયું હતું – “ઘર”ની ભ્રાંતિ તૂટી ગઈ હતી. મારાપણું છૂટતાં ‘ઘર’ વિલીન થઈ જાય છે.... એમ પણ કહી શકાય કે મહાવીર ઘરમાંથી નીકળ્યા ન હતા; ઊલટું તેઓ તો સાચા ઘરની - નિજઘરની તલાશમાં નીકળ્યા હતા! | મહાવીરે ગૃહત્યાગ કર્યો એનો અર્થ એ થાય કે તેમણે મોટા પરિવારનાં દર્શન કર્યા અને પરિણામે તેમનો નાનો પરિવાર છૂટી ગયો. જેને સાગર મળી જાય તે બુંદને પકડીને કઈ રીતે બેસી શકે ? બુદને ત્યાં સુધી જ તે પકડી રાખશે કે જ્યાં સુધી તેને સાગર ન મળે. જેવો તેને સાગર મળે છે, બુંદ છૂટી જાય છે. પરંતુ આપણને સાગર દેખાતો નથી! આપણને દેખાય છે માત્ર બુંદને પકડીને બેઠેલા લોકો અને બુંદને છોડી જતા લોકો..
મહાવીરે ઘર છોડ્યું ન હતું, તેમના માટે ઘરને પકડવું અસંભવ થઈ ગયું હતું! આ બન્ને વાતમાં ફરક છે. જ્યારે આપણે કહીએ છીએ કે “ઘર છોડ્યું ત્યારે જાણે ઘર સાથે કોઈ શત્રુતા, ધૃણા, અણગમો હોય એવું લાગે છે. પરંતુ જો એમ કહીએ કે ઘરને પકડવું અસંભવ થઈ ગયું હતું તો એવું લાગે કે જાણે તેમને વિશેષ મોટું ઘર મળી ગયું, વિરાટ મળી ગયું. અને એમાં
પહેલું ઘર છૂટી ગયું નથી, એ તો મોટા ઘરનો એક ભાગ બની ગયું છે. આપણા ખ્યાલમાં જો આ તથ્ય આવી જાય તો ત્યાગનો એક નવો જ અર્થ આપણને સમજાઈ જશે.
Jainism: The Global Impact
131