________________
આ અંકના વિદ્વાન સંપાદક ડૉ. નરેશ વેદનો પરિચય
‘વેદ સાહેબ’ના આદરવાચક નામથી જાણીતા ડૉ. નરેશચંદ્ર લક્ષ્મીદાસ વેદ રાજ્યના અને રાષ્ટ્રના અનેકવિધ સજ્જતા ધરાવતા શીલભદ્ર શિક્ષણવિદ અને સંસ્કાર પુરુષ છે. અધ્યયન, અધ્યાપન, વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ઘડતર, વાંચન, લેખન, સંશોધન, જ્ઞાન વિસ્તરણ અને સંસ્થા સંચાલન જેવી નાનાવિધ પ્રવૃત્તિઓમાં શરીક થઈ છેલ્લા પાંત્રીસ વર્ષોથી તેઓ સેવાઓ આપી રહ્યા છે.
ત્રીજી માર્ચ ઓગણીસો અડતાલીસમાં તેમનો જન્મ તેમના મોસાળ ગોંડલમાં થયેલો. એમનું વતન મોરબી અને જ્ઞાતિ ભાટિયા. મેટ્રિક થતાં સુધીમાં ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સર્જકો અને શિષ્ટ માન્ય ગ્રંથો ઉપરાંત હિન્દી, ઉર્દુ, બંગાળી, મરાઠી ભાષાના ખ્યાતનામ સર્જકો પ્રેમચંદજી, ગાલીબ, જિબાન, ટાગોર, ખાંડેકર વગેરેના સાહિત્યગ્રંથોનું વાંચન પણ કરેલું. સાથોસાથ કાવ્ય, નાટ્ય અને કથાકૃતિઓનું સર્જન અને પ્રકાશન કરેલ. જ્ઞાતિ સમાજમાં યુવક મંડળની સ્થાપના કરી એમાં ગ્રંથાલય શરૂ કરેલ. ચર્ચાસભા વસ્તૃત્વસભા અને પ્રવાસોનું આયોજન પણ કરેલ. ત્યારબાદ મોરબીના જ્ઞાતિ સમાજમાં ટ્રસ્ટી મંડળમાં રહી ચૌદ વર્ષ સુધી સેવાકાર્ય કરેલું.
એમનો વિદ્યાભ્યાસ તેજસ્વી રહ્યો હતો. ગુજરાતી મુખ્ય વિષય સાથે તેમણે સન ૧૯૬૮માં બી.એ.ની પદવી પ્રથમ વર્ગ સાથે મેળવી હતી. સન ૧૯૭૧માં એમ.એ.ની પદવી અને ૧૯૭૮માં પીએચ.ડી.ની પદવી હાંસલ કરી હતી. એમ.એ.માં મુખ્ય વિષય ગુજરાતી સાથે ગૌણ વિષય હિન્દી પસંદ કરેલો. તેમાં એટલી પ્રભુતા પ્રાપ્ત કરી કે કોલેજોમાં પણ હિન્દી વિષય આસાનીથી ભણાવ્યો. હિન્દીમાં માતૃભાષા જેટલી સહજતા અને સરળતાથી તેઓ લેખન અને ઉદ્બોધન કરી શકે છે. ડૉ. ઈશ્વરલાલ ર. દવેના માર્ગદર્શન હેઠળ એમણે લઘુનવલના સ્વરૂપ વિશે થીસિસ તૈયાર કરીને પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી હતી. તેઓ એમ.ફિલ. અને પીએચ.ડી.ની પદવી માટેના યુનિવર્સિટી માન્ય માર્ગદર્શક પણ છે. તેમના માર્ગદર્શન હેઠળ ૩૫ વિદ્યાર્થીઓએ એમ.ફિલ.ની અને અગિયાર વિદ્યાર્થીઓએ પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી છે. | સ્નાતક કક્ષાએ યુનિવર્સિટીમાં દ્વિતીય ક્રમે હોઈ તેમને અનુસ્નાતક અભ્યસ માટે ભારત સરકાર દ્વારા નેશનલ સ્કોલરશીપ એનાયત થયેલી. સન ૧૯૮૭માં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન, ન્યુ દિલ્હીએ એમની સંશોધક તરીકેની કારકિર્દીના વિકાસ માટે ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય સાથે કરિયર ઍવૉર્ડ એનાયત કરેલો. એ નિમિત્તે એમણે પ્રાચીન ભારતીય કથાનાત્મક સાહિત્ય'નો Indepth Study તૈયાર કરી આપ્યો હતો. હરિ ૐ આશ્રમ દ્વારા એમને આંતર યુનિવર્સિટી ઍવૉર્ડ પણ મળેલ છે. એમના વિવેચન ગ્રંથને ગુજરાત સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળેલું છે. કથનાત્મક સાહિત્યના ગણ માન્ય વિદ્વાન હોવાને નાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા તેમના સંશોધન જર્નલ ‘વાકક્ના કથનકળા મીમાંસા નામક વિશેષાંકનું સંપાદન એમને આમંત્રિત કરી અતિથી સંપાદક તરીકે સોંપાયેલ હતું. | ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે એમની કારકિર્દીનો આરંભ ધ્રાંગધ્રાની શાહૂ શ્રીયાં પ્રસાદ જૈન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ૧૯૬૯માં થયો હતો. એ પહેલાં એમણે બેન્ક ઓફ બરોડામાં મોરબી ખાતે સર્વિસ કરી હતી. ધ્રાંગધ્રા બાદ મોરબી અને રાજકોટથી કોલેજોમાં સાત વર્ષો સુધી એમણે અધ્યાપક તરીકે સેવાઓ આપી હતી. સન ૧૯૭૧થી અનુસ્નાતક અધ્યાપક તરીકે માન્યતા મળતાં એમણે ત્યારથી જ જામનગર અને રાજકોટ ખાતે અનુસ્નાતક અધ્યાપન કાર્ય કરેલું. સન ૧૯૭૭માં સરદાર પટેલ યુનિવર્સિટીમાં અનુસ્નાતક વિભાગમાં જોડાઈ સન સાત વર્ષ વ્યાખ્યાતા તરીકે અને પંદર વર્ષ રીડર તરીકે સેવાઓ આપી હતી. ત્યારબાદ એમની વરણી પ્રોફેસર તરીકે થઈ હતી. સ્વાધ્યાય, શિસ્ત અને વિદ્યાર્થીપ્રિય અધ્યાપક તરીકે એમની ખ્યાતિ ફેલાયેલી છે. એમના વિશાળ વાંચન, ગહન અધ્યયન અને સફળ અધ્યાપનને લક્ષમાં રાખી ભાવનગર, રાજકોટ, પાટણ, અમદાવાદ, વડોદરા અને સુરત સ્થિતિ ગુજરાતની જાણીતી બધી યુનિવર્સિટીઓએ તેમજ મુંબઈની યુનિવર્સિટીએ વીઝીટીંગ ફેલો અને વીઝીટીંગ પ્રોફેસર તરીકે તેમજ અભ્યાસ સમિતિના સદસ્ય, પરીક્ષક, સંવિવાદ-ગોષ્ઠિઓના સંચાલક તથા માર્ગદર્શક તેમજ સલાહકાર તરીકે એમની સેવાઓ મેળવી છે.
(સત્ય- અહિંસા- અપરિગ્રહ
પ્રબુદ્ધ જીવન : ગાંધી સાર્ધ શતાબ્દી વિશેષાંક (ઑકટોબર- ૨૦૧૮